પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સત્તાવીસમું

૨૦૮

મમરા બૂકડાવતો બૂકડાવતો એ જુવાન સુલતાન આમ બોલે જતો હતો ને રાજી રાજી થતો હતો.

'જહાંપના !' મંત્રીએ વરધી દીધી : 'પેલો શખ્સ સોરઠથી આવેલ છે.'

'એને આંહી લઇ આવો.'

આવનાર આદમીએ બે હાથ નીચે સુધી નમાવીને કુરનસ કરી. એનો લેબાસ અસલ કાઠિયાવાડી હતો.માથે ગુલખારી આંટીવાળી પાઘડી : અંગ પર લાંબો અંગરખો, ઉપર હીરકોરી પીછોડી, ઢીલી ખૂલતી સુરવાળ, હાથની આંગળીઓમાં હેમના વેઢ : વૃદ્ધ હોવા છતાં ટાપટીપ કમાલ હતી.

'ક્યાંથી આવો છો ?' વાતચીત કરનાર એ બે જ જણ રહ્યા એટલે સુલતાને પૂછ્યું.

'જૂનાગઢથી, જહાંપના.'

'નામ ?'

'વીશળ કામદાર : રા'માંડળિકનો કારભારી છું.'

'શી છૂપી વાત કહેવી છે તમારે ?'

'પાદશા સલામત ! સોરઠની વસ્તીને રક્ષા આપો. હવે જલદી રક્ષા આપો. અમારો રા' ભયંકર બન્યો છે. ન કરવાનાં કર્મો આદરેલ છે એણે.'

'તમે કેમ નીમકહરામ થવા આવ્યા છો ? જાણો છો બનીઆ ! સુલતાન એક મુસ્લિમ છે. કાફીરોનો કાળ છે મહમુદશા. ને હિંદુઓની મક્કા-મદીના સરખી સોરઠ માથે જ્યારે એની સમશેર ઉતરશે ત્યાર એકે ય