પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બીજું

૧૨


એ બનાવને આજ પાંચેક દિવસ થયા હતા. પહેલા બે દિવસ ઊનાની ભાટની ન્યાતે ઠાકોર વીંજલજી સાથે વિષ્ટિમાં ગાળ્યા હતા. ભાટોએ પાઘડી ઉતારી હતી. વીંજલજીએ જવાબ વાળ્યો હતો કે "હું હરીને નથી લાવ્યો. બાઈ એની જાણે આવી છે. હેલ્ય ન ઊતરાવું તો મને બ્રહ્મહત્યા આપવા તૈયાર થઈ હતી. હજી ય માને તો પાછી તેડી જાવ."

બાઈએ ગઢના ઊંચા ગોખેથી કહેવરાવ્યું કે 'મારે વેદવાન પંડિત ધણીની કીર્તિનું આગ-ઓઢણું ઓઢવાના કોડ નથી. મારે તો 'જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે,' એવા જોબનીયાને સાચવી લેવું છે.'

ભાટોની કાકલૂદીને રાજ વીંજલે ગણકારી નહિ. ભાટવાડો આખો શહેરથી બહાર નીકળી ગયો. પાદરમાં લબાચા પાથર્યા. દરવાજાની સામે ત્રિશૂળ ને ભલકાં (ભાલા) રોપ્યાં. કાળો કકળાટ બોલ્યો. માતાઓને થાનોલે વળગેલાં કૂણાં કૂણાં છોકરાંને ભાટોએ માની છાતીએથી ઊતરડી લીધાં, લઈ લઈને હાથમાં હીલોળ્યાં, ને હીલોળી હિલોળી ભલકાં પર ફગાવ્યાં. જીવતાં પરોવાતાં એ બચ્ચાંની ચીસો જનેતાઓની ચીસોએ ઝીલી. નાનાં મોટાં ભાટોએ ભેંકાર ધા દીધી અને નિર્દોષોનાં લોહી નગરના ઝાંપા ઉપર છંટકોર્યાં. "લે ભોગવ બાપ ! લે માણી લે ગોઝારા રાજા. જોગમાયાએ લીધો જાણ ! બોકડો લે એમ લીધો જાણ. પાડો પીવે એમ પીધો જાણ."

ઝાપો બંધ થયો છે. ને ઊંચા ઊંચા ગઢમાં ઠાકોર વીંજલ વાજો ભાટ્યણ રાણી સાથે મોજ ભોગવે છે. ચાર દિવસ થઈ ગયા છે. ભાટોનાં છોકરાં ખૂટવા લાગ્યાં છે. મૂંગા છોકરાંને ચડાવી દીધા પછી પોતાનો વારો આવવાનો છે એ બ્હીકે મોટેરાંનાં દિલ ઊંચાં થયાં છે. કેટલાંક પલાયન કરી ગયાં છે, કેટલાંક તૈયારીમાં છે. આખું શહેર આ બાળહત્યાનાં પાપની બ્હીકે સુનસુનકાર થઈ ગયું છે.