પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સત્તાવીસમું

૨૧૦

'અન્નદાતા ! સોરઠ દેશ તો આજે આપ જેવા સુલતાનની કલગીમાં જ શોભે. આજ એને એક અફીણી, એદી, અભિમાની, લૂંટારો, જારકર્મી જ ભોગવે છે.'

'હા, મેં પણ સુણ્યું છે કે ખુદાએ માળવા, ખાનદેશ ને ગૂજરાત એ ત્રણેનો અર્ક નીચોવીને સોરઠને સરજેલ છે. કુદરતના હાટમાં સોરઠ તો એ ત્રણે દેશોને કસવાના પથ્થર સમાન છે. સોરઠનાં બંદરો મારી આંખની કીકીઓમાં દિનરાત રમે છે.પણ સાચું કહું છું બનીઆ ! મારા પંજા વધુમાં વધુ તલસે છે એનાં દેરાં તોડવા માટે. પણ શું કરું ! તારા રા'ની કુમકે કુદરતે પહાડો ને જંગલો ખડાં રાખેલ છે. આકાશ સુધી પહોંચતો તમારો ગિરનારનો કિલ્લો, સિકંદરના કિલ્લા જેવી જેના કોટની દિવાલો છે તે તમારો અભેદ્ય આસમાની ઊપરકોટ : અને તમારા આંગણામાં જ છૂપાએલી મહબીલાની ખો જેવી, બેશુમાર ખોપો-એમાં હું ફોજ કેમ કરી લઇ જાઉં?'

'આપને માર્ગ દેખાડવા તો હું આવેલ છું.'

'બનીઆ ! તું રખે જાસુસ હો-હું તને હવે આંહીથી જવા નહિ દઉં. હવે તો હું ચડાઇ લઇ જાઉં ત્યારે જ તું સાથે ચાલજે.'

'ઘણી ખુશીથી ખુદાવંદ ! મારે હવે ત્યાં જઇને પણ શું કરવું છે ? ઓ મારી મોહિની......ઓહ ' એ રડી પડ્યો; ને સુલતાન હસ્યો.

'બેવકૂફ ! જોતો નથી ? હું ખાઉં છું તો હજમ કરવાની પણ તાકાત ધરાવું છું.તું બુઢ્ઢો, ત્રીજી વાર શા માટે તાકત વગર શાદી કરી આવ્યો ? તારી શેઠાણીએ પોતા ઉપર હુમલો કરનારને ખંજર હુલાવી દેવાનું યા તો પોતે જીભ કરડીને મરી જવાનું કેમ પસંદ ન કર્યું !'