પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઠ્ઠાવીસમું

૨૧૮

'અન્નદાતા ! ધણી મારા ! આ રહ્યો હું . આંહીં હાજર જ છું. કોણ, શું લઇ ગયો?' નાગાજણે રા'ની પાસે જ ઇ પૂછ્યું.

રા'ના મોં પરથી તે વખતે એક મચ્છરીયું ઊડતું ઊડતું દૂર ચાલ્યું જતું હતું. રા'એ ચકળવકળ આંખો ઘૂમાવી. ઘૂમતી દૃષ્ટિ ગિરનારના ગળા ફરતી અદ્ધર તરતી વાદળીઓમાં ભમતી હતી. રા'ના ચહેરા પરથી લોહી, ઓટ વેળા સમુદ્રની પાછી વળી જતી વેળ્યની માફક નીચે ઊતરી જતું હતું.

'કેમ લ ઇ ગયા નાગાજણ ?' રા'એ પૂછ્યું.

'શું બાપુ ? કોને લઇ ગયો હું ?'

'અપ્સરાને. મારી અપ્સરાને તમે કેમ ઉપાડી ગયા ?'

'અન્નદાતા ! રા' ! ઊંધમાં છો ? જાગો, કસૂંબો તૈયાર છે.'

રા'એ કસૂંબો લીધો, પણ એની દૃષ્ટિ ઘૂરકતી હતી.

'સોણું હશે ?'

'સોણું જ તો બાપ.'

'પણ આંહીં એ ઉતરી, આંહીં એ બેઠી, મને એણે પંપાળ્યો, ત્યાં જ તમે ને ઉપાડીને ચાલ્યા ગયા.'

'માઠી કલ્પનાઓ. મારા ધણી !'

'કલ્પનાઓ-કલ્પનાઓ-કલ્પનાઓ-કલ્પનાઓ સાચી હશે, કે સંસાર જ સાચો હશે ? કલ્પનાઓમાં તો ગઢવી, તમે જ મને ખૂબ રમાડ્યો. સત્ય મરી ગયું, ને કલ્પનાઓ જ સાચું જીવતર બની ગઇ. નરસૈયો કલ્પનામાં જ જીવ્યો, વિહર્યો, માણી ગયો. ના, ના,