પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૯

દોસ્તી તૂટી

કલ્પનાનો કીડો તો મને જ રાખી દઇને એક તો નરસૈયો માણી શક્યો, ને બીજા તમે માણો છો નાગાજણ ગઢવી,'

'બાપા !' નાગાજણને રા'ની આજની લવરી બ્હીવરાવવા લાગી; 'કસૂંબાને મોડું થયું ખરૂં ને, એટલે આપનો જીવ ચકડોળે ચડી ગયો.'

'ના, ચક્ડોળ તો કે'દુનો ફરે છે. હવે તો ચક્ડોળ પરથી પડવાનો કાળ આવે છે. એવો પડું , એવો પડું, કે ફોદા જ વેરાઇ જાય. એવું કંઇક કરો ને ભાઇ ! ચકડોળ જરા જોરથી ફેરવો ને ગઢવી. આ તો હજી ધીમો ફરે છે. હવે કાંઇ હળવે હળવે ફરે તે ગમે ખરૂં કે ?'

એવું એવું તો રા' ઘણું બોલી ગયો. વાસ્તવિકતાની ધરતી પરથી એના પગ લસરી જ ગયા. એણે વારે વારે કહ્યું-

'કુંતાદે અપ્સરા નથી, તમે અપ્સરા કહીને પરણાવેલ ભીમરાજની દીકરી પણ અપ્સરા નથી. અપ્સરા વીસળ કામદારની વહુ પણ નથી. મને તો એકેય ન મળી, મને મળું મળું થઇ ત્યાં બસ તમે ઝૂંટવી ગયા.'

'આ શું કહો છો રા' ગંગાજળિયા ?'

'ગંગાજળિયો ગંગાજળિયો કહી મને કાં કૂટી માર્યો ? મને તમે સૌએ બસ જોરાવરીથી ગંગાજળિયો બનાવ્યો. મને જ એકલાને કાં આદર્શોનું પોટકું ઉપડાવો છો ? તમે બધા હળવા ફૂલ થઇને માણો છો, ને વેઠ મારી પાસે કરાવો છો. આમ નહિ ચાલે.'

'પણ શું નહિ ચાલે બાપ ? સમજાવો તો ખરા !'

'મારે જોઇએ જ-એ પાછી જોઇએ જ -એ તમે છૂપાવીને બેઠા છો તે હું નહિ ચાલવા દઉં. હું તમને કહી રાખું છું.'

ઘૂમાઘૂમ કરતા રા'ના ડોળાનો એકેય તાંતણો નાગાજણ ઊકેલી ન શક્યો. પોતે વાળેલા સત્યાનાશની કેડી એને પોતાને જ ન દેખાઇ.