પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૧

દોસ્તી તૂટી

'પણ હૈયું બહુ ઠરે એવો છે હો દેવ !'

નાગાજણને હજુય સમજણ ન પડી. એણે કહ્યું 'ત્યારે બાપા હવે રજા છે ને?'

'થોડીક વાર ઘોડાને પંપાળી લઉં.'

'ખમા ! પણ ઘેરે ન્યાત ખોટી થાતી હશે .'

'તો દેવ ! મારા દોસ્ત !'રા'એ નાગાજણનો હાથ ઝાલીને કહ્યું : 'આપણી અશ્વશાળામાંથી તમને મરજી પડે તેટલાં ઘોડાં છોડી જાઓ, ને-'

'ને શું બાપા ?'

'આ એક જ વછેરો મને આપો.'

નાગાજણ ખસિયાણો પડ્યો. રા'ની માગવાની રીત એને તુચ્છ લાગી. એણે કહ્યું 'બાપા ! જૂનાના ધણીને જાતવંત ઘોડાંની ક્યાં ખોટ છે ? મારે ઘરધણીને ચડવાના કોડ પૂરા કરે એવો તો આ માંડ માંડ મળ્યો છે.'

'એટલે કે તમારે એકેને જ બધી વાતે માણવું છે, ને મને કલ્પનાઓમાં જ રમતો રાખવો છે એમને ? ઠીક રામ રામ !'

'રામ રામ બાપા.' નાગાજણ ચાલી નીકળ્યો. રસ્તે એને વિમાસણ થતી જતી હતી-

'આ તે આવો ભાવઠ કેમ બની ગયો ? મેં શું એને જીવતરમાંથી ખેડવી નાખ્યો ? મને કેમ સરત જ ન રહી ? હું અપ્સરા લઇ ગયો, ને ફકીરો એને કાંઇક દિલાસા દે છે, તે બધું શું હશે ?'