પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઠ્ઠાવીસમું

૨૨૪

રાતે નાગાજણની વહુ મીણબાઇએ, મૃત્યુલોકની એ અપરૂપ અપ્સરાએ નાગાજણને કહ્યું કે ' કોઇક મોટું અનિષ્ઠ થવા બેઠું છે. આઇનો જીવ અંદરથી વલોવાઇ રહ્યો છે. આઇ એકાંતે વારંવાર બોલ્યા કરે છે કે નરસૈ મેતા ! હરિના હેતાળુ ! આટલી આટલી સતામણી તુંથી શે સંખાઇ શકી ? તારા મોંમાંથી શરાપ, અરેરાટી કે હાયકારો, કાંઇ કરતાં કાંઇ કેમ ન નીકળ્યું ? નરસૈયા, મેંથી એવું કાંઇ થશે તો શે સે'વાશે ? મારી મતિ કેમ કરીને ઠેકાણે રે'શે ? તું હરિનો ભગત, ને હું તો મેખાસૂરનાં રોડ (રૂધિર) પીનાર નવલાખ વિકરાળ લોબડિયાળીયુંની છોરૂ, મારાં તો ખાનપાનમાં ને શ્વાસોશ્વાસમાં રજોગુણ. તારી સાત્વિક વૃત્તિ મેંથી શે સાચવી જશે ? અરે મને મલક દેવ્ય (દેવી) ભાખે છે, પણ મેંથી ક્યાંઇક ડાકણ થઇ બેસાશે તો કેવો બટ્ટો બેસશે ? ને આ રાજા બદલી ગયો, ઉખડેલ થયો, એ કોને નહિ સંતાપે ! પણ શું કરૂં ? મારૂં ઘર જ આ ગોરખ-ધંધાને ન અટકાવી શક્યું ! આવું આવું લવતાં આઇ મારી ય આડાં ઊતરતાં નથી. કોઇ મળવા આવે તો મળતાંય નથી. ચારણ ! તમે જાળવજો હો ! મલકનું નખોદ ન નીકળી જાય.'

નાગાજણ પાસે આશ્વાસનનો એકેય શબ્દ રહ્યો નહોતો.