પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ઓગણત્રીસમું
મું સંભારીશ માંડળિક

જૂનાગઢમાં બનેલા બનાવની વાત નાગાજણે ઘરમાં કરી નહોતી. ને વળતા દિવસે એ રા' પાસે ગયો ત્યાંથી પરબારો જ ગામતરે ચાલ્યો ગયો. ક્યાં ગયો તેની જાણ એણે કરી નહિ. પંદરેક દિવસ વીત્યા.

એક પણ દિવસે જેને આંગણે પરોણાનો અભાવ નથી, મહેમાન વગરનું ઘર જેને મસાણ સરીખું લાગે છે, તે બુઢ્ઢી નાગબાઇ આજ મહેમાન વગરની જમી નથી. કોઇ અતિથિ આવ્યું નથી. મહેમાનની વાટ જોઇ જોઇ બપોર ચડ્યા છે. મહેમાન આવતો નથી. બુઢ્ઢી આખરે પોતાના આંગણાના લીંબડા પર ચડીને સીમાડા ખોળે છે. દસે દિશાઓ મહેમાન કે વટેમાર્ગુ વગરની કળાય છે. ક્યાંય મહેમાન આવે ? કોઇ વા'લા વટેમાર્ગુ આવે? આજનું શિરામણ શું સ્વાર્થનું બનશે ?

એકાએક સીમાડે ખેપટ ઊડે છે. આવે છે કોઇક વટેમાર્ગુ. 'જાવ મારા બાપ, મારા ચારણો, વટેમાર્ગુ જે કોઇ હોય તેને આંહી છાસ્યું પીવા તેડી આણજો.'

થોડીવારે માણસોએ આવીને સમાચાર દીધા : 'આઇ, વટેમાર્ગુ નથી. રા' માંડળિક પોતે પધાર્યા છે.'