પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૭

મું સાંભરીશ માંડળિક

શૃંગ સમું નીકળે છે તે બુઢ્ઢી નાગબાઇની નજર પણ રા'ના મોં સામે ચોંટી હતી. એને પોતાની ભૂલ સમજાઇ ગઇ. એણે માંડળિકના મોં ઉપરની રેખાઓ ઉકેલી લીધી. એના હૈયામાં ફડકો ઊઠ્યો.

મીણબાઇ વધુ નજીક આવી. રા'ના મોં પર સાપ સળવળ્યા. મીણબાઇના નખને રા'ની નજરે સમળી સૂડાના બચ્ચાંને ચાંચમાં પકડે તેમ પકડી લીધા. ને નખ ઉપરથી ચડતી ચડતી એ દૃષ્ટિની નાગણી મીણબાઇની હથેળી, કાંડાં, કોણી, બાહુ ને બગલનાં પગથિયાં ચડતી ચડતી છેક છાતીનાં યૌવન સુધી ચાલી ગઇ. ત્યાંથી લસરી ગઇ. લસરવામાં મજા આવી.વારંવાર ચડી ચડીને દૃષ્ટિ લપટી. 'એ જ એ તો - મારા સ્વપ્નામાંથી નાગાજણે ઉપાડી લીધેલી એ જ એ અપ્સરા.'

ઢાકાની મલમલમાં ન ખીલે એટલું અપરંઅપાર ખીલી ઊઠ્યું એ ચારણી-રૂપ, ઊનની ધિંગી કસૂંબલ ઓઢણીમાં.

કંકાવટીમાં આંગળી બોળીને મીણબાઇ રા'ની અડોઅડ ટીલાવવા ઊભી રહી, ત્યારે તો રા'ને અપ્સરા-રૂપની સોડમ આવી. એ સુગંધે માંડળિકને સુરાપાન કરાવ્યું, ભાન ભૂલાવ્યું, ગાંગાજળિયો ગઢપતિ, ઉમાદેનો રસીલો કંથ, રાજપૂતીનો રક્ષણહાર, જ્ઞાની, યોદ્ધો, વિવેકી, તમામ વિવેકને પરવારી જઇ મોં બીજી દિશામાં ફેરવી ઊભો રહ્યો.

'ફુઇ !' મીણાબાઇએ નાગબાઇને કહ્યું 'રા' ફરે છે.'

'રા' તો જ્ઞાની છે બાપ ! અમથા ન ફરે. મૂરત એ દૃશ્યે હશે. ત્યાં ફરીને ટીલાવ દીકરી !'

રા'નું હૈયું જાણે મીણબાઇને ધકેલીને દૂર કરવા માગતું હતું. રા'થી મીણબાઇની નીકટતા નહોતી સહેવાતી. રા'ને કોઇક માયલો જીવ કહેતો હતો કે ભાગી છૂટ, ન્હાસી છૂટ.' પણ રા'ને બીજો અવાજ કહેતો હતો, 'દૂર ન રાખ. હવે ક્યાં છેટું છે, ભેટી પડ.'