પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ઓગણત્રીસમું

૨૨૮

કંકુમાં ઝબોળેલી આંગળી રા'ને કપાળે પહોંચે તે પહેલાં તો રા' ત્રીજી દિશામાં ફરી ગયો.

ખસિયાણી પડેલી મીણબાઇની આંગળીએથી કંકુનાં ટીપાં ટપક ટપક ટપકી પડ્યાં. એણે ફરી વાર કહ્યું, 'ફુઇ , રા' તો ફરે છે.'

'સૂજાણ રા' અમથા ન ફરે બાપ ! મૂરત એ દૃશ્યે હશે. ટીલાવ તું તારે.'

પછી જ્યારે ચોથી દૃશ્યે રા'એ મુખ ફેરવી લીધું, રાની પીઠ ચારણ્યોના વૃંદ તરફ થઇ ગઇ, સોળાનાં ગીત થંભી ગયાં, ને મીણબાઇએ જ્યારે ત્રીજીવાર કહ્યૂ કે 'ફુઇ, રા'ફરે છે,' ત્યારે નાગબાઇનો કંઠ રૂંધાઇ ગયો. એણે ન બોલાવા મહેનત કરી. પણ એનું ગળું દબાયું નહિ. એની જીભ ઝાલી રહી નહિ. એણે કહ્યું-

'હાંઉ બેટા ! હવે તો રા' નસેં ફરતો, રા'નો દી' ફરતો સે.'

રા'નાં લમણામાં એ શબ્દો સાંભળતાં જ ચસ્કા નીકળી ગયા. એ નાગબાઇ તરફ ફર્યો.

નાગબાઇએ પોતાની આંખો ધરતી તરફ રાખીને કહ્યું : 'પાછો જા, બાપ ! પાછો ઝટ જૂને પોગી જા.'

ગંગાજળીયા ગઢેચા,
(તું) જૂને પાછો જા
(મારૂં) માન ને મોદળ રા' !
(નીકે) મું સાંભરીશ માંડળિક

'પાછો જા બાપ, વેલો પાછો જા, મોદળના ધણી, ગરવો લાજે છે.'

'મારા મલકમાં વેરો ભર્યા વગર રે'વું છે-'રા'ના મોંમાંથી થૂંક ઊડવા માંડ્યું. શબ્દોના ચૂંથા નીકળ્યા - 'ને પાછા મિજાજ કરવો છે ?'