પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ઓગણત્રીસમું

૨૩૦

બોલતે બોલતે બુઢ્ઢીનું હૈયું ભરાઇ આવ્યું. નાગબાઇના મોંમાંથી પ્રત્યેક વેણ કરુણારસભરી કવિતાનું રૂપ ધરી વહેતું હતું. લોકવૃંદ તો પાષાણમાં આલેખાઇ ગયું હોય તેવું ચૂપ ઊભું હતું. રા'ને રૂંવાડે રૂંવાડે ક્રોધ અને બુદ્ધિભ્રમ બટકાં ભરી રહ્યાં હતાં. એના વિષય-ધ્યાનમાંથી કામ જનમ્યો, કામની અતૃપ્તિમાંથી ક્રોધ પ્રગટ્યો, ક્રોધે એને સંમોહ ઉપજાવ્યો, ને સંમોહે સ્મૃતિ મતિનો વિભ્રમ પેદા કર્યો. એણે મોં બગાડી નાખ્યું. લાલસા અને મદનું મિશ્રણ હાંસી અને તુચ્છકાર સાથે ભળી એના ચહેરા પર ભયંકર વિકૃતિ કરતું હતું : એ બોલ્યો, 'નીકર તું શું કરી નાખવાની હતી ? નરસૈયો મને શું કરી શક્યો ?'

'રે'વા દે વીર ! રે'વા દે, નરસૈયાની યાદ દેવી મને રે'વા દે. હું નરસૈયાની પગુંની રજ પણ ન થઇ શકું. એનું વેર મારા હૈયામાં મ જગાડ. મોદળના ધણી ! મને ડાકણી કરવી રે'વા દે. હું તો જન્મારાની બળેલ ઝળેલ મને શા સારૂ ડાકણ કર છ?'

'ડાકણ જ છો તું ડોશી ! તને ડાકણ કરવા જેવું શું હતું ? તું મને શરાપવા માગ છ ને ! શરાપી લે.'

'હાય હાય ગંગાજળિયા ! મારી જીભ ખેંચીને બોલાવ છ ? અરે હજી ચેત ચેત, હું શરપતી નથી, હું તો જે જોઉં છું ઈ કહું છું.

'તું શું જોવ છ ?'

'હું જોઇ રહી છું બાપ કે -

જાશે જૂનાની પ્રોળ
[તું] દામોકંડ દેખીશ નૈ
રતન જાશે રોળ
[તે દિ'] મું સંભારશ માંડળિક.