પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૩

મું સાંભરીશ માંડળિક

કલ્પના મને વલોવી નાખે છે. તું રણભોમમાં મરીશ તો જીતી જઇશ. પણ રેડઃઆં નથી, રણભોમનાં રૂડાં મોત રેઢાં નથી. મને એ જ વેદના વાઢી રહી છે. હવે તું જા આંહીથી બાપ.'

'જાઉં છું, ને છ મહિને તારી જીભ ધગધગતી સાણસીએ ખેંચવા આવું છું.'

'તારે એટલી ય મહેનત નઇ લેવી પડે' ઘોડે ચડેલા રા'માંડળિક તરફ હવે પૂરેપૂરી નજર માંડીને બુઢ્ઢી બોલ્યાં : 'હવે મારો દેહ તો વટલાઇ ગયો. મારા મોંમાં આજ એંશી વરસની અવસ્થાએ કાળવાણી નીકળી છે. હું દેવ્ય ટળી ડાકણ થઇ ચૂકી. માંડળિક ! હવે તો છેલ્લા જુવાર.'

'ક્યાં, તારો દીકરો પહોંચ્યો છે ત્યાં અમદાવાદ ને?' ઘોડો હાંકી મુકતા રા'એ પછવાડે નજર કરીને મોં મલકાવી કહ્યું.

'ના, ઇથી થોડું જ ઓલી કોર.'

અન્નજળ ત્યાગીને પછી વળતા જ દિવસે નાગબાઇએ ગાડું જોડાવ્યું. એ હિમાલય ગળવા ચાલી ગઇ.