પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રીસમું

૨૩૮

ગીરનું ભીલ-રહેઠાણ જોતજોતામાં ઉજ્જડ બન્યું. અને છેલ્લે ચાલ્યા આવતા એક નાના બાળકને ખંધોલે ઊંચકીને ભીલકુમારે રા'ની સામે સીનો બતાવ્યો. એણે જરાક નીચે ઝુકીને કહ્યું - 'જે સોમનાથ ! જૂનાના ધણી, હું શુદ્ર છું, ને શુદ્ર જ રહીશ. પણ તમે ગંગાજળિયા, તમે લડથડીને કોણ જાણે કઇ ખોપણ ખીણમાં જઇ પડશો.'

તમામ હિજરતીઓની હરોળમાં એ ચાલી નીકળ્યો. એના માથાનાં મોરપીચ્છનો ગુચ્છ ઝૂલતો જાય છે. બરડા ઉપર બાંધેલ ભાથાંનાં તીરનાં ફળાં (લોઢાની અણીઓ) આથમતા સૂરજની રતાશ પી રહ્યાં છે. પારકું ભીલ બાળક એના ખંધોલા ઉપર ઢળીને નીંદરમાં પડે છે.

'તૈયારી કરીને બેઠાં હશે !' એમ કહેતે રા'એ ઝૂંપડાં તપાસ્યાં. કોઇ ઠેકાણે સૂપડામાં અધસોયેલા દાણા પડ્યા હતા, કોઇ ઠેકાણે ચૂલા પર આંધણની હાંડી ઊકળતી હતી, કોઇ ઠેકાણે ચૂલો પેટાવવાની તૈયારી હતી. કોઇ ઠેકાણે ઘંટીના થાળામાં લોટ પણ પડ્યો હતો. અને એક ઠેકાણે છીપર પર અધવાટેલી મેંદીનો લોંદો પડ્યો હતો. પૂર્વતૈયારીનું ત્યાં કોઇ ચિહ્ન નહોતું.

'અરે આ તો હજુ ગીરમાંથી લોક હાલ્યું જ જાય છે.' જૂનાગઢ તરફ ઘોડા હંકારતા રા'ની નજરમાં માણસો માતાં નહોતાં. એને દેખીને લોકો દૂર ચાલતાં હતાં. ને આખી વાટે ગામડે ગામડે એને નીકળતો જોઇ સ્ત્રીઓ મોં ફેરવી જતી હતી. મોણીયાવાળો બનાવ પાંખો કરીને મુલકને ઘેર ઘેર કહી આવ્યો હતો. નાગબાઇની ધા ગામેગામ સંભળાઇ હતી. આઇ નાગબાઇ હેમાળો ગાળવા હાલ્યાં છે તેને બની શકે તો રોકવા, તેને પગે પડવા, તેની આશિષો લેવા મૂલક ઉમટીને મોણીયા તરફ જાય છે. ચાલ્યા જતાં માનવીઓ બોલે છે 'ગંગાજળિયો આપણો રા' ગોઝારો બન્યો. એણે આઇને પણ દૂભવ્યાં એણે કોઇને ન છોડ્યાં.'