પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકત્રીસમું
'ઓ ગિરનાર !'

જૂનાગઢ પહોંચ્યા નહોતા ત્યાં તો રસ્તામાં રાજદૂત આવી મળ્યો. ખબર દીધા, સુલતાન મહમદશાની ફોજ માર માર કદમે આવે છે.

'આવવા દ્યો સુલતાનને. મારા ખાંટ યોદ્ધાઓ એને ગિરનારની ઝાડીમાં જ ઠાર રાખશે. એના ઘોડા નથી હાલી શકવાના.' રા' ઊપરકોટનું સમારકામ કરાવતો હુંકારા કરતો હતો.

થોડા દિવસે ખબર મળ્યા. 'મહારાજ, ખાંટો મહાબીલાની ખોમાં ભાગી ગયા છે. ઝાડી ઉજ્જડ થાતી જાય છે, વનરાઈને આગ લાગતી આવે છે.'

'આવવા દ્યો.' એ ઊપરકોટની રાંગ ઊપર ઊભો ઊભો પાછળની ભમ્મર ઊંડી ખાઇ જોઇ બોલ્યો; 'કોઠારમાં બાર વરસ ચાલે એટલું અનાજ છે. પાંચ હજાર વર્ષનો કાળાંતરો મારો કોટ છે. મને સુલતાન નહિ પહોંચી શકે.'

'મહારાજ ! સુલતાન આવી પહોંચ્યો. કિલ્લો ઘેરી લીધો છે. રાજા કોઈ મદદે આવ્યો નથી. પ્રજામાંથી કાંટીઆ વર્ણો તો નાગબાઇના કોપથી ભી જઈને દૂર બેઠા છે.'

'જરૂર નથી કોઈની. મારો કિલ્લો જ મારું બખ્તર છે.