પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫

ચારણીનું ત્રાગું


"મૂંઝાવ મા વીસામા ! અંદેશો રાખો મા. ચારણનું જણ્યું આવી ચડે તે પછી બીજાનું ત્રાગું બંધ થાય. ને હવે તમે ત્રાગાં વધાવીને તમારે રસ્તે પડજો."

એમ બોલતે બોલતે જુવાન ચારણીએ, (જેણે થોડા જ સમય પર પોતાના ધણીને ગીરની વનરાઇના ઊંબરમાં જીવ્યા મુવાના જુહર કીધેલા) પહેલો પોતાના દેહ પરથી ભેળીઓ ઉતારવા માંડ્યો.

"તમારામાંથી વધુમાં વધુ જોરાવર હાથવાળો જણ આમ આવે."

એની જીભ જાણે ઝાઝા કાળથી હુકમ દેવા ટેવાએલી હોય એવા એ શબ્દો હતા.

"ને ભેળી એક તરવાર લાવો."

બોલતે બોલતે એણે તેડેલ બાળકને હૈયે દાબીને હેઠું મૂક્યું. કહ્યું "બચ્ચા, જાવ માને ખોળે. હવે તમે નરભે (નિર્ભય) છો. જાવ સૌ બાળારાજા !"

ગર્દનની બેય બાજુએ છાતી પર ઝૂલતી ચોટલાની લટોની એણે કપાળે ગાંઠ વાળી લીધી. સાકરકોળાના રંગની સાથે મળતા રંગની એની ગરદન ઉઘાડી થઈ. ડોકનું માદળીયું પણ એણે કાઢીને કોરે મૂક્યું. ને એ ઊના ગામના ઝાંપાની સન્મુખ, પડખોપડખ જઈ ગોઠણભેર બેસી ગઈ. જાણે ધરતીમાં ખોડાઈ ગઈ હોય તેવી જુક્તિથી એણે આસન વાળ્યું.

પછી એણે પોતાના દેહ ઉપરથી મૂરતવંતી ચૂંદડીને ઉતારવા માંડી. ચૂંદડી ખેંચાતી ગઈ તેમ તેમ એના દેહનો મરોડ દેખાયો. એ તો હતું દૂધનું ઝાડવું. ભેંસોનાં દહીંએ દૂધે સીંચેલી દેહકળાનો ચીકણો ઉજાસ દેખી ભાટો સ્તબ્ધ બન્યા.

"આવ્યો તરવારવાળો ?" એણે ફરી હાક દીધી. "મૂછાળાઓ,