પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકત્રીસમું

૨૪૦

'મહારાજ, ચાર જ દિવસ થયા છે, ત્યાં તો કિલ્લો તૂટ્યો નહિ એટલે સુલતાન પાંચ કરોડ સોનામહોરો, ઘોડા, ને સોનાની મૂઠ વાળાં ખંજરો ને તલવારો સિપાહીઓને ઇનામમાં લૂંટાવી રહ્યો છે.'

'લૂંટાવવા દ્યો.'

'સિપાહીઓની સુસ્તી ઊડી ગઈ છે. ફોજની ટુકડીઓ મુલકને ઉજ્જડ કરી ત્રાસ વર્તાવવા મોકલી આપી છે. લૂંટાલૂંટ ચાલી છે.'

'ચાલવા દ્યો. હું શું કરીશ ?'

ઉઘાડા પ્રદેશની વસ્તી પર કેર વર્તતો હતો. રાત વખતે આગમાં સળગતાં ગામડાં દેખાતાં હતાં. પણ રાજા ઊપરકોટમાંથી ઊતરતો નહોતો, જોગીઓ ગિરનાર પરથી ઊતરતા ન હતા. રાજપૂતો છુપાઇ ગયા હતા.

રાજા એ અગ્નિ ઝાળો જોઈ જોઈ હસતો હતો.

રાત હતી. માંડળિકના મહેલમાં કોઈ નહોતું. એકાએક તેણે સાંભળ્યું 'આવવા રજા છે ?'

આવનાર કુંતાદે હતી. અબોલા લઈને એ પોતાને મહોલે બેસી ગઈ હતી તેને ઘણાં વર્ષો થઈ ગયાં. અવાજ જાણે ઊંડાં પૃથ્વી-પડમાંથી ઊઠ્યો : 'આવું ને ?'

'શા માટે, આજ ?

'આ ઝાળો જુવો છો ? ગંગાજળિયા ગઢપતિ ! અહીં બેઠે બેઠે બધું શે જોવાય છે ?'

'વીસળ કામદાર ને નાગાજણ ગઢવી માથે મારૂં વેર વળી રહ્યું છે. મારી છાતી ઠરે છે.'

'અરે ભૂલા પડેલા રા', અટાણે ય કમત્ય છોડતી નથી ? ઊપરકોટ તૂટી રહ્યો છે.'