પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૩

'ઓ ગિરનાર !'

મંદિલ, એ છત્ર, એ છડી, એ દ્રવ્ય, એ જવાહિર, એ સોરઠ રાજની ભેટો પોતાની ખિદમત કરતા ગવૈયાઓને એનાયત કરી.

'બળ્યાં છત્ર ને છડી : બળ્યાં જર ને જવાહિર : સુખે રહો. ચમન કરો. ભલે ને સુલતાન સોરઠમાં મસ્જિદો બાંધતો, ભલે ને એના દરવેશો થાણાં નાખતા, ભલે ને એમની વટાળ-પ્રવૃત્તિ ચાલતી : આપણે આપણું કરો : આપણે આપણાં ધર્મકાર્ય સાચવો : આપણું રોજેરોજનું ગંગાજળ-સ્નાન ન ગુમાવો ! નિરાંત કરીને રહો. બાકી બધું જ આળપંપાળ છે, સ્વપ્ન છે, સનેપાત છે'. રા'ની એ વિચારધારા વહ્યા કરતી. ગંગાજળિયો ગઢપતિ અફીણ, દારૂ, નાટારંભ અને ગંગાજળનું પ્રાત:સ્નાન ચૂકતો નહોતો.

એવું ય એકાદ વર્ષ વીત્યું.

* * *

એક દિવસ પાછો અમદાવાદનો કાગળ ઊતર્યો. સુલતાન ફરી પાછા ફોજ હંકારીને ગિરનાર પર ત્રાટકે છે.

'અરે રામ !' રા' ઉચ્ચારી ઊઠ્યા : 'પણ મારો ગુન્હો શો છે હવે ? હું તો સુલતાનનો ચાકર થઈને ડાહ્યો ડમરો બેઠો છું. હું તો હવે છત્ર છડી તો નથી રાખતો, પણ અમસ્થોય દેવદર્શને નીકળતો નથી. કુંતા, હું જઈને સુલતાનને સામો મળું. નીકર નાહકની એ આપણી વસ્તીને પીંખશે.'

'ન જાઓ રાજ ! હવે તો હાંઉ કરો. હવે કોણ જાણે શી યે થવાની બાકી હશે !' કુંતાએ રાજપોશાક ઉતારી નાખીને કાળાં શોક-વસ્ત્રો ધારણ કરી લીધાં હતાં.

'ના કુંતા, સામો જ પહોંચું.'

'આ સાથે લઈ જશો રા' ?' એક વીંટી બતાવીને કુંતાએ કહ્યું.