પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૭

'ઓ ગિરનાર !'

'ધરમ સંભાળો. મોત ઊજાળો. જીવતર સંકેલો. જો હું પણ ભેળી છું.' કુંતાએ પોતાની પાસેની હીરાકણી બતાવી.

'હેં-હેં-હેં-' રા' પોતાની વીંટી પર ફાટી નજરે નિહળી રહ્યા.

'કુંતા, પેલી તું ચૂસ, તો મને હિમ્મત રહે.'

'લ્યો મારા વ્હાલા !' કહીને કુંતાદે હીરાકણી ચૂસી ગયાં. એના ડોળા ઘૂમવા લાગ્યા. એનું મોં લાલ લાલ બની આવ્યું. ને એની જીભ ઝલાણી.

કડડડડ !-દરવાજા તૂટવાના અવાજ.

તરફડતી કુંતાદે હાથની ઈશારતે રા'ને હિંમત આપે છે. રા' કડાકા સાંભળી ગાભરો બને છે, વીંટીના હીરા સામે જોવે છે, જીવ હાલતો નથી, ને 'હેં-હેં-હેં-' કરે છે.

કુંતાદે ઢળી પડી. કે તૂર્ત રા' દોડ્યો, કિલ્લાના બુરજ પરથી સફેદ વાવટો ફરકાવવા લાગ્યો. સંહાર અટક્યો. રા' બહાર આવ્યો, નીચે ઊતર્યો, સુલતાનની સાથે કેદી બની ચાલ્યો.

સોએક સૈનિકો વચ્ચે વીંટળાઈને એનો ઘોડો ચાલ્યો જાય છે, કટક જમિયલશાના ડુંગરની તળેટી પાસે નીકળે છે. બુઢ્ઢા સાંઇ જમિયલ ઊભા છે. એકાએક એના હાથમાં એક ખંજર ચમકી ઊઠે છે. ખંજર ઊઠાવીને એ વૃદ્ધ સાંઈ પોતાના ડાબા ખભા પરથી માંડે છે. ચરડડડ-એ ખંજર ચામડી ચીરતું જમણી કમ્મર સુધી ઊતરી આવે છે. ને જમિયલ સાંઈ પોતાના ચીરેલા પેટમાંથી આંતરડાં કાઢીને ખભે જનોઈની જેમ પહેરી લ્યે છે. પહેરીને એ બોલે છે:-

'ઓ રા' ! ઓ સુલતાન ! દેખ આ જનોઈ ! ઓ હિંદુ ! ઓ મુસલ્માં ! ક્યાં છે ફરક ? કોણે બતાવ્યો ફરક ?'