પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રીજું

૧૬


શું વિચારમાં પડ્યા છો ? હવે વિચારને માટે વેળુ નથી. આવી જાઓ એક જણો મોખરે."

એમ કહેતી એણે ગરદન જરા બંકી કરી. સીધી ને કૂંણી એ ડોક કોઇ સંધેડીયાએ સમા હાથે ઉતારેલ હોય તેવી ભાસી.

જોજે હો વીર !" એણે તરવારધારી ભાટને ચેતવણી આપી : " ઝઝકીશ નહિ. જોજે હાથ થોથરાય નહિ. એવો ઝાટકો દેજે કે વાધરી ય વળગી ન રહે. "

એમ કહીને એણે આખી ય ચૂંદડી ઉતારીને ભોંય ઉપર મૂકી : જાણે કેસૂડાં ને આવળનાં ફૂલોનો ધરતી ઉપર ઢગલો થયો.

ને કોણ જાણે ક્યાંથી સૂસવવા લાગેલો અણધાર્યો પવન એ ચૂંદડીને પોતાની ઘુમરીઓમાં ઉપાડ ઉપાડ કરવા લાગ્યો.

"ઓલી...સામી કળાય ઇ બારી કે ? તીયાં બેઠેલ છે તમારી વહુવારૂનો ચોર કે ?"

"હા આઇ, ત્યાં જ."

"ઠીક, બાપ ! કર ઘા ત્યારે."

એમ બોલીને એણે પોતાના બેઉ હાથ ધરતી પર ચોડી દીધા, ને એની ગરદન ઝાટકાના લોગમાં આવે તેવી જુક્તિથી ઝૂકી પડી.

પલ પછી જ્યારે એનું મસ્તક છેદાઈને નીચે જઈ પડ્યું ત્યારે એ માથા વગરનું ધડ ધરતી પરથી હાથ ઉઠાવી લઈને ફરી પાછું ટટ્ટાર બેઠું. બેઉ હાથનો ખોબો વાળ્યો, ખોબામાં પોતાનું જ રૂધિર ઝીલ્યું. ઝીલી ઝીલીને ત્રણ ખોબા એ મસ્તક વગરના ઢુંઢે ઊનાના દરવાજા ઉપર છાંટ્યા. પછી એ દેહ ત્યાં પડી ગયો.

સૂસવતો પવન ચૂંદડીને ચક્કર ચડવીને ક્યારે ઉપાડી ચાલ્યો ગયો તેની સરત કોઈને રહી નહિ.