પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭

માંડાળિકનું મનોરાજ્ય


કાંઇ તમારા 'લટા, કટા, જટા, ફટા, ને ધગ ધગદ'થી ન સંતોષાય. અમારે તો 'તમસું લાગી તાળી રે......."

"સાચોસાચ ચોકી બેસારવી જ પડશે."

બીજાને ભરોસે રહેવા કરતાં પોતે જ બેસો, પોતે." એમ કહી કુંતાદી રા'નો કાન આમળ્યો.

"પછી ધીંગાણે કોણ જાશે?"

"ધીંગાણા શીદ કરો છો?"

"સોરઠના ખંડિયાઓ તમારા નરસૈયાના તાળોટાથી વશ થાય તેવા નથી ને? તેના તો ફાડવા જોવે બરડા - આ રૂદ્રની કૃપાણને ઝાટકે ઝાટકે."

બોલતે બોલતે એની જમણી ભુજા સોમનાથના સાગર તીર તરફ લાંબી થઈ. અને તેલના દીવાની જ્યોત એના કાંડાની ઉપસેલી નસો ઉપર રમવા લાગી.

"એવી અક્કડ ભુજાઓ આંહી મારા ઓરડામાં નહિ પોસાય." એમ કહીને કુંતાદી લણ્બાએલા હાથને પોતાના ગળા ફરતો વીંટી લીધો ને પતિના મોંમાં ભોજનનો પહેલો કોળીઓ મૂક્યો.

"ધરાઇને ધાન તો ખાઓ, નીકર ભુજાઓ કૃપાણ પકડી કેમ શકશે?"

"તમને એક ખબર આપું?" રા'એ ગંભીર ચહેરો કરીને કહ્યું." વળી પાછાં કહેશો કે પહેલેથી કીધું ય નહિ ! તમારા પીયર હાથીલા નગરને માથે જ મારી કૃપાણનો કાળ ભમે છે."

"શું છે તે?" કુંતાદે હાથીલાના ગોહિલ રાજકુળની દીકરી હતી.