પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પાંચમું

૨૮


"તમારા કાકા દુદાજીની ફાટ્ય વધી છે. ઠેઠ અમદાવાદ સુધીની લૂંટો કરનાર એ રાજપૂતી હવે તો મારા ઉપર કાળી ટીલી બેસારવાની થઇ છે. પાદશાહનો સંદેશો આવેલ છે કે મારે એની ફાટ્ય ઠેકાણે આણવી."

"તમારે શા માટે?"

"હું સોરઠનો મંડળેશ્વર મૂવો છું ને? મારા ખંડિયાઓને કબજે ન રાખું તો પાદશાહને તો બહાનું જ જોવે છે. ગઝનવીએ તોડ્યું સોમનાથ, તઘલખે તોડ્યું, ખીલજીએ તોડ્યું, હજીય તોડવાનો લાગે જોવે છે સુલતાન એહમદશાહ. એને તોડવા સ્હેલ છે, આપણે ફરી ફરી બંધાવવા દોયલાં છે. રાજાઓને તો લૂંટારા ને ડાકુ થઇ પોતપોતાનાનાં અમન ચમન સાચવવાં છે, પણ હું ઠર્યો ગંગાજળિયો, હું એકલો આડા હાથ દઇને ક્યાં સુધી ઊભો રહું?"

નિઃશ્વાસ નાખતા રા'ના તાજા સ્નાને ભીના ખંભાઢળક કેશમાંથી, મહેશને માથે જળાધારીમાંથી ટપકે તેવું એક જળ-ટીપું ઝર્યું.

"હા!હા!" કુંતાએ ય ઊંડો નિસાસો નાખ્યો : "આજ એ એક હોત-તો એક હજારાં થઇ રહેત."

"કોણ?"

"મારા કાકા હમીરજી."

"હમીરજી ગોહિલ તો શંભુનો ગણ થઇ ગયો દેવડી! એની શી વાત?" બોલીને રા'એ ફરીવાર સોમૈયાજીની દિશામાં હાથ જોડી લલાટે અડાડ્યા. "કલૈયો હમીરજી ! એને ને મારે વધુ નહિ, ફક્ત પચીશેક વર્ષોનું છેટું પડી ગયું. હું એટલો વહેલો કાં ન જન્મ્યો? એની વાત સાંભળી છે ને?"