પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પાંચમું

૨૯

વેલો....ઇ.....આવે વીર
સખાતે સોમૈયા તણી
હી...લો....ળવા... હમી....ર
ભાલાંની અણીએ ભીમાઉત !

"ભીમજી ગોહિલ તારો ડાડો, દેવડી ! ડાહ્યો ને ચતુર સુજાણ રાજપૂત. ભડલી વાળા રા' કાનની કુંવરીને પરણેલો. કુંવરી એક ફકીરની સાથે અવળપંથે પળેલી. મૂળ તો એ ફકીર નહિ, પણ દિલ્હી બાજુનો અમીર હેબતખાન. ભડલીને પાદર નીકળ્યો હશે. ને કુંવરીમાં લોભાઇ નદીને સામે કાંઠે દરવેશ બની ઝૂંપડી બાંધી બેસી ગયો હશે. કુંવરી રોજ રાતે ભોજન-થાળી લઇને જાતી'તી. વાત પ્રગટ હતી. તારો ડાડો એને નો'તો તેડતો. ઘરમાં ડાહી ફુઇ રાજપૂતાણી : કહ્યું, બાપ ! બહુ વરસ વીત્યાં. મનાવીને તેડી આવ. ભીમજી ગોહિલ તેડવા જાય છે. એને સૂતો મેલીને કુંવરી કાળી મેઘલી મધરાતે થાળ લઇને ચાલી નીકળે છે. અણઝંપ્યો ભીમજી તલવાર સંભાળે છે, પાછળ પાછળ લપાતો ચાલે છે. ઝૂંપડીએ પહોંચેલી કુંવરીને ફકીર 'કેમ મોડી આવી' કહી સોટા ખેંચે છે. તોય પ્રેમમાં અંધી કુંવરી પાલવ પાથરે છે. નદીએ પાણી લેવા જાય છે. પાછળ ભીમજી ફકીરને ઝાટકે દે છે. ફરી છૂપાય છે. કુંવરી આવીને મૂવા સાંઇને મોઢે પાણી મેલે છે કે તારા મારતલને મોત ભેળો કરાવીને હું છાશ ફેરવીશ. તારા જીવને ગત કરજે."

"ભયંકર ! ભયંકર ! ભયંકર નારી ! હાથીલા પાછો વહ્યો આવનાર ભીમજી ફુઇને આ ભયંકર કથા વર્ણવે છે. ત્યારે ફુઇ કહે છે કે બાપ, એના પેટના કેવા પાકે ! કેવા સાવઝ પાકે ! જાતી રાજપૂતીને રાખે હો બાપ ! તેડી આણ, ને રાજપૂતીનાં રતન પકવ્ય એના ઓદરમાં.