પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯

ગંગાજળિયો


તરવારો જ્યારે ખેંચાય છે ત્યારે ગોકીરા બંધ થાય છે. પછી તો ફક્ત સબાસબી ને ધબાધબી જ સાંભળવાની રહે છે.

ગોકીરા નજીક આવ્યા તેમ તેમ તો કજિયા કરનારાઓની ન્યાત જાત પણ પરખાણી. વણિકોના ટંટામાં હાહોકારા ને ન સમજાય તેવી શબ્દગડબડ હોય છે. આ તો સંસ્કૃત ભાષામાં સામસામા ઉચ્ચારતા શાપો હતા.

દ્વારપાળ આવીને વરધી આપે તે પૂર્વે તો રા'એ કહ્યું:

'કોણ ગોર બાપાઓ છે ને?'

'હા મહારાજ. દામા કંડેથી પરબારા બાઝતા આવે છે.'

'શું છે?'

'મહારાજ પાસે ન્યાય કરાવવો છે.'

'શાનો ? દક્ષિણાની વ્હેંચણનો જ હશે.'

'હા. મહારાજ.'

'હું જાણું ને? બ્રાહ્મણોની લડાલડીમાં તે વગર બીજું હોય જ શું?'

ગોખેથી રા'એ ડોકું કાઢ્યું. નીચે ટોળું ઊભું હતું. લાંબા ચોટલા, અરધે મસ્તકે ધારીઓ, કપાળે ત્રિપુંડો, મોંમાં તમાકુવાળી ચોરવાડી પાનપટીઓના લાલ લાલ થુકના રેગાડા, ને મેલીદાટ જનોઇઓ.

'આશીર્વાદ મહારાજ.' સૌએ હાથ ઊંચા કર્યા.

'મોંમાંથી શરાપ સૂકાણા નથી ત્યાં જ આશિર્વાદ કે?' રા'એ વિનોદ કર્યો.