પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯

ઓળખીને કાઢ્યો


'દરવાજા બહાર આ હૂકળાટ શું મચી રહ્યો છે?' દરવાણીએ મશાલ લઈને નાની બારી ઉઘાડી. સાઠેક વર્ષનો જૈફ પહેરગીર જેમ મશાલ ધરીને આંખ માંડે છે, તેમ એણે બારી ઉપર એ જુવાનને જોયો. ઘડીભર નજર તાકી, યાદ કર્યું, આંખો ફાટી ગઈ. ભડાક કરતી બારી બીડી દીધી. બ્હીકે થથરી ઊઠ્યો. હેબતાઇ ગયો.

'શું છે? કોણ છે?' સાથીદારોએ પૂછ્યું.

'ભૂ...ઉ...ત!' પહેરેગીરના ગળાને છોલતો છોલતો જાણે કે કોઇ છરા જેવો શબ્દ નીકળ્યો.

'હેઠ બુઢ્ઢા ! હવે મરણને કાંઠે ભૂત દીઠું!'

'બોલો મા ! ઈ જ...ઈ જ...ઈ જ-'

'ઉઘાડો હો...ઓ!' બહારથી અવાજ ઊઠ્યો.

'ઈ જ. ઈ જ, ઈ જ અવાજ. ઈ જ! ભૂત !'

'કોનો અવાજ ? કોનું ભૂત?' સાથીદારોએ મૂર્છા ખાઇને ઢળી પડતા બુઢ્ઢાને ઢંઢોળ્યો.

'ઇ જ. મુંને યાદ છે. હું ચાલીશ વરસનો જૂનો દરવાન. મેં જોયા'તા. આવી જ રાતે ગયા'તા.'

'કોણ પણ?'

'કુંવર હમીરજી ! સોમૈયાજીની સખાતે - ઇ જ, ઇ જ, ઇ પોતે.'

બીજા પહેરેગીરો જુવાનડા હતા. એમને આ ભેદ સમજાયો નહિ. છાતીના બળીઆ હતા. નાના બાકોરામાંથી બહાર નજર કરી. જુવાન એની માતાને કહેતો હતો : 'માડી, આ તો મને ભૂત ભૂત કરી કૂટી પાડતા લાગે છે.'