પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ આઠમું
દુદાજીની ડેલીએ

દુદાજી ગોહિલના દરબારમાં એ પ્રભાતે કસૂંબાની કટોરીઓ ભરાતી હતી. પંચાવન વર્ષની જેની ઉમ્મર ટેવી શકાય તે ઠાકોર દુદાજીની દાઢી મૂછો આભલાં-જડિત બુકાનીમાં ઝકડેલી હતી. બીજા તમામનાં માથાં પર મોળિયાં ને ધોતિયાં બાંધેલ હતાં. દુદાજીની બુકાની એના ચહેરાને વિશેષ કરડો દેખાવ આપી રહી હતી. એણે કહ્યું -

'આંહી સોરઠમાં શું ધૂડનાં ઢેફાં માણીએ? માણે છે તો મારા દીકરા અમદાવાદના સુલતાનનાં માણસો. આ હમણાં જ સંખેડા બહાદુરપૂરની લૂંટ કરી સુલતાન અહમદશાહે. એનાં સિપાહી સપરાં ય હીરા માણેક ને મોતીની કોથળીયું ભરી ભરી ઘોડાં માથે નાખતા આવ્યા.'

'હીરા મોતી? હેં બાપુ? અધધ.'

'હીરા મોતીને માથે ય પાછી લટકાંની એક એક જણશ.'

'ઇ શું?'