પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫

દુદાજીની ડેલીએ


'એનું કહેવું એમ કે રજપૂતો જૂથ બાંધીને પોતાનો ટકાવ કરો, પણ એક મુસલમાનને કાઢવા બીજા હરીફ મુસલમાનને ઊભો કરો મા. કેમકે તો તો પાછું ભૂત નહિ પલીત જાગશે.'

"હે-હે-હે-હે" દુદાજી હસ્યા; "ઈ તો લોઢું લોઢાને કાપે. તરકટ અને પરપંચ કર્યા વગર કાંઇ ન હાલે. મુરખો રા' રાજપૂતની જૂની વિદ્યાને ભણ્યો જ નથી. એનું ભણતર જ અવળું છે. મુસલમાનોને માંહેમાંહ કજિયા કરાવ્યા વગર કાસળ નીકળે કેદિ? ન નીકળે, ભા, ન નીકળે. અટાણે તો મલેચ્છોએ માંહોમાંહ કાપાકાપી માંડી દીધી છે. અટાણે ન લૂંટીએ તો પછી ક્યારે દાળદર ફીટવાનાં?"

એવી એવી વાતોમાં ભંગ પડ્યો. ચોકીઆતો એ ભીલ જુવાનને લઇ હાજર થયા. દુદાજી ગોહિલે ઊંચું જોયું તે વખતે તો એ ભીલ જુવાન એમના ચરણોમાં હાથ લંબાવી કહેતો હતો : "કાકાબાપુ,જે સોમનાથ."

'કોણ છો ભા? દુદાજીએ આંખ મરોડી : 'તું વળી કોણ ભત્રીજો ફાટી નીકળ્યો?'

'કાકાબાપુ ! મારાં મા તો કહેતાં'તાં કે તમે મને જોતાં વેંત પરખી લેશો." જુવાન રાજી રાજી થઇ રહ્યો હતો.

'હું તો દેવનો દીકરો નથી ભાઇ ! તારી ઓળખાણ?'

'હું ગરમાંથી આવું છું.'

'ગામ?'

"દોંણ-ગઢડાનો નેસ.'

દોંણ-ગઢડાના નેસનું નામ સાંભળીને દુદાજી ગોહિલ જરા ઝબક્યા. જુવાનને નિહાળી નિહાળી જોવા માંડ્યું.