પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નિવેદન

તિહાસિક નવલકથા આલેખવાની પહેલી હિંમત ગયા વર્ષે 'સમરાંગણ'થી કરી. વાચકોએ અને સાહિત્યકારોએ એનો જે સત્કાર કર્યો તે મારા પગને આ નવી ભૂમિ પર સ્થિર કરનાર નીવડ્યો. આ વખતનું સાહસ જો વાચકોને સફલ લાગે તો તેનો જશ એ રીતે તેમને જ મારા એ નવીન સાહસના પ્રોત્સાહકો તરીકે જશે.

દોઢ દોઢ દાયકા સુધી સ્મૃતિના ગોખલામાં સચવાઇ રહેલી એક લોકકથાની કણિકાએ મને ગયા વર્ષે 'સમરાંગણ' સરજવાની દિશા સૂચવી. આ વખતે પણ આઇ નાગબાઇના પૂર્વસંસારની ને વીજલ વ'જાના રક્તકોઢની જે ઘટના પર મેં આખી કથાની માંડણી કરી છે, તે બે ચાર ઘટનાઓ પણ લોકકથાની કણિકાઓ રૂપે જ મારી યાદદાસ્તના એકાદ કોઈ ગોખલામાં સંઘરાઇ રહેલી. લોકસાહિત્યની ચીંથરીઓએ આજે મને આવો ઉજ્જવળ અવસર દેખાડ્યો છે છતાં આ નવી રસાયન-ક્રિયા રૂપે એ મારે શિરેથી ઘટવાને બદલે વધે છે. લોકસાહિત્યનું સંશોધન ને પરિશીલન સીધી રીતે સંજોગવશાત છૂટી ગયું છે છતાં આ નવી રસાયણ-ક્રિયા રૂપે એ મારી નસોમાં સજીવન છે. ચીંથરીમાં સચવાઈ રહેલી આ નાની નાની સોના-કણીઓએ મને ઐતિહાસિક કથાઓનું આદિધન પૂરૂં પાડીને ઇતિહાસ તરફ અભિમૂખ કર્યો છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ જેટલો કંઇ શોધાયો છે, તેની અંદર લાંબી વાર્તાને પૂરપાટ ઘોડે રમવાનું મેદાન મેં જોયું છે. ભલેને આ મેદાન પર બીજી કેટલીક કલમો રમી ગઇ, તેથી મેદાન કંઇ ખૂટી ગયું નથી. નવી દૃષ્ટિ લઇને ઝૂકાવનારી નવીન ક્લમો માટે આંહી બહોળી ક્રીડાભોમ પડી છે.

એકલા સોરઠી ઇતિહાસનું જ ક્ષેત્ર જો ઘૂમ્યા કરી તો Perspective ની દૃષ્ટિ પ્રમાણ હારી બેસે, નવીનતા લુપ્ત થાય. પણ મારે સુભાગ્યે પેલી તેજ-કણીઓએ મને ગૂજરાતની તવારીખ તરફ પ્રકાશ દેખાડ્યો. ગૂજરાત અને સૌરાષ્ટ્રની ઈતિહાસ-નદીઓનાં સંગમ-સ્થાનો નજરે પડ્યાં. મેદાન વિસ્તરી ગયું. સીમાડા પહોળા થયા. બેઉ તવારીખોનાં વાસીએ પાત્રોનો પણ જંગી સમૂહ જોયો. બેઉના ગુણદોષો, સંકુચિત ને ઉદાર મનોદશાઓ, ખામીઓ, ને ખુબીઓ, વગેરેની તુલનાત્મક દૃષ્ટિ એ બે નદીઓનાં સંગમ