પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ નવમું
ઝેરનો કટોરો

ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કૈં કૈં બનાવો બની ચૂક્યા હતા, બનતા હતા, બનવાના પણ હતા. હરીફ મુસ્લિમ રાજવંશીઓની આપસઆપસની જાદવાસ્થળીએ દિલ્હીની શહેનશાહતને નધણીઆતી કરીમૂકી હતી. ગુજરાતના સૂબા ઝાફરખાને ચાતુરી વાપરી દિલ્હીના ધણી બનવાના બખેડાઓ કરનારાઓમાંથી એકેયની મદદે જવાનું માંડી વાળ્યું હતું. ગુજરાત દીલ્હીનું બચ્ચું મટી ગઇ, સૂબો સુલતાન બન્યો, નામ ધારણ કર્યું મુઝફ્ફરખાન. સોમનાથને ચોથી વાર ભાંગનાર ને રોળનાર પંજો એ મુઝફફર ખાનનો. એની તલવાર બેઉ બાજુ ચાલી રહી હતી. એક સપાટો એણે ગુજરાતની આસપાસના રાજપૂત રાજ્યો પર ચલાવ્યો હતો, ને બીજો સપાટો સુલતાનીઅતના પ્રતિસ્પર્ધી સર્વ મુસ્લિમ સુબાઓ પર.

એક વાર એ પણ જૈફ બન્યો. જૈફ પલંગ પર સૂતો છે. અંધારી રાત છે. ઓરડાનાં દ્વારમાંથી એક હાથનો પડછાયો એના પલંગ પાસે દિવાલ પર પડે છે. પડછાયામાં આલેખાએલા એ પંજામાં એક કટોરો છે.