પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ નવમું

૬૨


જૈફ સુલતાન પડખું ફેરવે છે. સામે ખડો છે પોતાનો જ સગો પૌત્ર. પોતાના ગુજરી ગએલ દીકરા મહમ્મદનો પુત્ર અહમદખાન. દિવાલ પરની છાયા જૂઠી નહોતી. પૌત્રના હાથમાં કટોરો હતો.

'આ કટોરો પી જાવ દાદા.' પૌત્રે જાણે દવા પાતો હોય તેવા મિજાજથી કહ્યું.

'શું લાવેલ છો ભાઇ?'

'ઝહર.'

'શા માટે ? મને-તારા દાદાને ઝહર ? તારા જ હાથે?'

'આલિમોની મંજૂરી મેળવીને પછી જ લાવેલ છું દાદા ! પાક મુસ્લિમ ધર્મના જાણકારોની સલાહ વગર હું આવું કામ નથી કરતો.'

'આલિમોએ શું કહ્યું?'

'કહ્યું છે કે એક શખ્સ બીજા શખ્સના બાપને બેગુનાહ મારી નાખે તો તેનું વૈર લેવું ધર્મમાં મંજૂર છે. આ રહ્યો કાગળ. જુવો દાદા, મોં'ની વાત નથી કરતો. લખાવીને લાવ્યો છું.'

એમ કહીને પૌત્રે દાદાને લખેલો કાગળ બતાવ્યો. જૈફ ઝફરખાને હસીને કહ્યું:

'તારા બાપને-મારા બેટાને મેં નથી માર્યો. મને એણે કેદી કરીને રાખ્યો હતો. છતા ય મેં એને ચાહ્યો હતો. એને ઝેર દેનારાઓને મારી શીખવણી નહોતી.'

'દાદાજી, એને મરાવીને આપે ફરી સુલતાનીઅત ભોગવી છે.'

'એ સુલતાનીઅત એક પણ દિવસ આંસુથી ભીંજાય વિના રહી