પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭

ઝેરનો કટોરો


'હા સુલતાન.' એક લશ્કરીએ આવીને કહ્યું : ' આ માથું મારા રાવજી પુંજા રાજાનું છે. મેં એની ચાકરી કરી છે.'

'એ કાફરને તું માન દઈ બોલાવે છે, શયતાન? એ હિંદુને 'મારા રાવજી' કહેવાની ગુસ્તાકી કરે છે?' દરબારમાં હાજર રહેલા લોકો ગુસ્સાથી ઉકળી ઉઠે છે.

'ચૂપ રહો સરદારો ! ખામોશ મુસ્લિમો !' સુલતાન તેમને વારે છે; 'એ આદમીએ પોતાનું લૂણ હલાલ કર્યું છે.'

સુલતાનની એ નીતિએ નવા પાટનગર પ્રત્યે શાહ-સોદાગરોને, પટ્ટણીઓને, વણિકોને, કારીગરોને અને મુત્સદીઓને પણ ખેંચવા માંડ્યા હતા, ત્યારે સોરઠનાં કાઠી રજપૂત ધાડાં ફક્ત ધાડો જ કરતાં રહ્યાં. રા' માંડળિક નિરથક આડા હાથ દેતો રહ્યો. સોરઠ દેશ ઉપર ગુજરાતની વસ્તી ધિઃકારની નજરે જોતી થઈ. સોરઠ એટલે લૂંટારૂઓનો મુલક. એ મુલક હિંદુ દેવસ્થાનનું ધામ હતો, છતાં એ ગુજરાતના ધિઃકારનું પાત્ર થઇ રહ્યો.

ગુજરાતની લૂંટફાટમાં સૌથી નામીચો હાથીલાનો દુદાજી ગોહિલ નીવડ્યો હતો. સુલતાને રા'ને જૂનાગઢ રૂક્કો લખ્યો :' તમે મંડળેશ્વર છો સોરઠના. દુદાજીને નશ્યત કરો. નહિતર અમારે અમારી ફોજને સોરઠ ઉપર આણ વર્તાવવા તસ્દી આપવી પડશે.'