પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તેમજ સંઘર્ષણનાં બિંદુઓ નિહાળવાનો ઉઘાડ પામી. ગૂજરાતના ઇતિહાસની પાર્શ્વભૂમિ પર સોરઠી ઇતિહાસની લીલા નિરખવાનો નવીન આહ્‌લાદ મળ્યો.

જુનાગઢના રા' માંડળિક છેલ્લાનો ઈ.સ. ૧૪૩૩ થી ૧૪૭૩નો લીલાકાળ, એ ગૂજરાતની નવી સુલતાનીઅતના બે ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગૂજરાતી સુલતાનીઅત જે જે ચડતી પડતીઓ અનુભવી રહી હતી તેનો ખ્યાલ મેં 'મિરાતે સિકંદરી' અને 'મિરાએ અહમદી' જેવી પ્રમાણમાં વિશ્વશનીય મુસ્લિમ તવારીખો પરથી મેળવીને વાર્તામાં ગૂંથેલ છે. મુસ્લિમ રાજરંગોની રંગભૂમિ ઉપર માંડળિકનું વ્યક્તિત્વ મેં ઊભું કરેલ છે. એની વિભૂતિનો આખરી અફળાટ યુવાન સુલતાન મહમદ બેગડાની સમશેર સાથે થયો ત્યાર પહેલાંની પ્રારબ્ધ-તૈયારી તો લાંબા કાળથી ચાલતી હતી. ગૂજરાતની ઇસ્લામી રાજવટનો ભાગ્યપ્રવાહ મેં એટલા માટે જ જોડાજોડ બતાવ્યો છે.

ગૂજરાતના ઈતિહાસ-રંગોમાં આસમાની (Romance) નથી એવી એક નિરાધાર માન્યતા ચાલી રહી છે. ઇસ્લામી સમયનું ગૂજરાત પણ રોમાંચક ઘટનાઓથી અંકિત હતું, ને એ રોમાંચક કિસ્સા તો મેં -મિરાતે સિકંદરી' ના આધારે બેશક - વધુ કલ્પનારંગો પૂર્યા વગર જ આંહી આલેખેલા છે. એ કિસ્સા - અને 'સમરાંગણ'માં મૂકેલ યુવાન મુઝફ્ફર નહનૂના પ્રસમ્ગો, કોઇ પણ ગૂજરાતી યુવાનને ગૂજરાતના ઇતિહાસના અધ્યયનની લગની લગાડે તેવા છે. ગૂજરાતની સંસ્કાર - ચૂંદડી પર સુલતાનીઅતની તવારીખે એક ન ઉવેખી શકાય તેવી ભાત્ય ઉપાડી છે.

માંડળિક છેલ્લો ગંગાજળિયો કહેવાતો, એ પૂર્વાવસ્થામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ અને વીર હતો, એના પિતાએ એને ઉચ્ચ તાલીમ આપી હતી, વગેરે ઉલ્લેખ ઇતિહાસમાં છે. ( History of Kathiawad by Wilberforce Bell : પ્રકરણ સાતમું) માંડળિકનાં લડાયક પરાક્રમો ઇતિહાસ-પાને ઉજ્જ્વલ છે. અને પાછળથી માંડળિકનો નૈતિક અધઃપાત થયો તેનો વીશળ પ્રધાનની પત્ની બાબતનો કિસ્સો, મિરાતે સિકંદરી, સોરઠી તવારીખ, ભગવાન લાલ સંપતરામના ઇતિહાસ વગેરેનાં પાનાં પર ટાંકેલ છે. (મિરાતે સિકંદરીમાં પ્રધાનનું નામ વીશળ નહિ પણ તનહલ છે) આમ માંડળિકનો નાશ તે એક સદાત્માનો અધઃપાત હોઈ મને એમાંથી Tragedy - કરૂણરસાન્તક કથાનાં આવશ્યક તત્ત્વો મળી ગયાં. એટલે જ મેં કથાની માંડણી કરી. જો