૭૦
'રાતોચોળ !'
'હા, રાતોચોળ.'
'કોક રાજપૂતનું ઓજણું : તીરથે સ્નાન કરવા આવતાં લાગે છે.'
'હાલો પહેલેથી જ દક્ષિણાનું નક્કી કરીએ'
'ભેળા વોળાવિયા હશે.'
'માર્યા ફરે વોળાવિયા. આપણું તીરથનાં બાળનું નામ તો લઇ જોવે ! હાલો.'
'હાલો, હાલો, હાલો.'
પંદર વીશ જણનું ટોળું એ વેલડાની સામે ઉપડતે પગે ચાલ્યું. બેક ખેતરવા ઉપર આંબી ગયા. પછી પાછળ પાછળ ચાલ્યા. વેલડાની સાથે વોળાવિયા ત્રણ જ હતા. બે ત્રણ બ્રાહ્મણો એની સાથે વાતોએ વળગ્યા. બાકીના વેલડાની નજીક નજીક ચાલવા લાગ્યા. ધીરે ધીરે તેમણે માફાની ફડક ઊંચી કરીને અંદર જોયું. જોઇને તેમણે હાંસી ચલાવી : 'ઓહોહો ! વાહ સોમનાથ દાદા વાહ ! શાં રૂપ છે!'
વોળાવિયા દોડ્યા, બ્રાહ્મણો આડા ફર્યા.
'અરે દેવ, પણ આ તમે શું કરો છો?' વોળાવિયા બ્રાહ્મણોને કરગરવા લાગ્યા.
'શું કરી નાખ્યું ભાઇ? જોવું ય નહિ?'
'ઓજલ પરદાવાળાંને આમ જોવાય? તમારું ખોળિયું બ્રાહ્મણનું છે એ તો વિચારો!'
'ખોળિયું બ્રાહ્મણનું, એટલે શું જોવાનું મન ન થાય?'