પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અગિયારમું

૭૪


એને કહ્યે દેવીએ કૈક વાંઝિયાંના ઘર માથે અમીની છાંટ નાખી. ઘણાને ઘેર ઘોડિયાં બંધાણાં. એની નામના ચાલતી ચાલતી ઉપરકોટમાં ફરી વળી. મોટા રા'એ આપા રેઢને પોતાના પડખામાં આસન આપ્યું. આખું પાટખિલોરી ગામ એને જીવાઇમાં બક્ષીસ થયું. ને પછી તો એના હાથની અંજલિ વગર મોટા રા'ને કસૂંબો ન ચડે.

એક વાર રોનક કરતે કરતે આપા ભૂંથાને મોટા રા'એ કહ્યું : 'વરદાન ખરૂં, પણ વરદાન હજી અધૂરૂં તે તો અધૂરૂં જ હો દેવ!'

'કાં બાપા?'

'મોઢામોઢ હોંકારા કરે તો પછી સાક્ષાત થઇને વાતો કાં ન કરે માતાજી?'

ચારણો રાજાઓના દેવ પણ હતા, અને કેટલાક રાજાઓની રોનકના રમકડાં પણ હતાં. મોટો રા' સોમનાથનો પાકો ભક્ત હતો, એટલે એણે આપા ભૂંથાની દેવીભક્તિની આવી રમૂજ કરી.

ગામડિયા ચારણને પોતાને વિષે 'ઓહોહો !' તો ક્યારનું યે થઇ પડ્યું હતું. જ્યાં બેઠો હોય ત્યાં એને દેવીનો ઓતાર આવી જતો. એને ય આજ રા'ને કહ્યે પહેલી જ વાર ભાન થયું કે દેવીનું વરદાન અધૂરૂં છે. એનો ખાવાપીવાનો ને સૂવાનો રસ ઊઠી ગયો. એણે રોજેરોજ માતાના થાનકમાં બેસી રૂદન માંડ્યું કે 'દેવી ! સાક્ષાત થા ! નજરે થા ! લોકો મને મેણાં દિયે છે.'

'ભગત ! ભીંત ભૂલ છ. તું મને નહિ ઓળખી શક. તું મારાં ને તારાં પારખાં લેવાં રહેવા દે. ભૂંથા રેઢ, વાત બહુ આગળ પહોંચી લઇ છે.' આવા આવા જવાબ થાનકમાં સંભળાતા હતા.

'ઓળખીશ. ઓળખીશ. માડી, મને સાક્ષાત થા. મારી નજરે થા.'