પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫

આઈ નાગબાઈ


એના જવાબમાં થાનક આખું ખડખડાટ હસી પડતું. ને દેવીના ચાચરના દીવા ચરડ ચરડ અવાજ કરી, ભભૂકેલાં નેત્રો જેવા, વધુ જોરથી સળગી હાલતા.

થાનકની બહાર એક સ્ત્રી ઊભી ઊભી આંસુ પાડતી. એ ભૂંથા ભગતની સ્ત્રી હતી. એ કદરૂપી ને કાળી હતી. એના આગલા બે દાંત જન્મથી જ લોઢાના હતા. ધણી બબે રાત સુધી થાનકની બહાર ન નીકળતો, અંદર પડ્યો પડ્યો 'દેખા દે ! દેખા દે!' કર્યા કરતો, ત્યારે ચારણી પાલવ ઢાળીને બહાર ઊભી ઊભી દેવીને કહેતી 'માતાજી ! મ કરજો. એવું મ કરજો. તમારૂં રૂપ એની નજરે ન પાડજો. મારો ચારણ અણસમજુ છે. કોઇકનો ચડાવ્યો ચડ્યો છે.'

'નહિ ઓળખી શક ! ભગત, નહિ વરતી શક. ઝેરનાં પારખાં!'

થાનકમાંથી દેવી બોલતી હતી? કે આપા ભૂંથાનો આત્મા બોલતો હતો? ખબર નથી પડી. પણ વળતા દિવસે જ્યારે એણે જૂનાગઢ જવા ઘોડવેલ હાંકી ત્યારે એને કાને ઘરની ચારણીના બોલ સંભળાયા કે 'ચારણ, ભગત, ગફલતમાં ન રે'જો.'

'આ એક વહરા મોઢા વાળીએ જ મારો અવતાર બગાડ્યો છે. એણે જે મારી ભગતીમાં ભંગ પડાવ્યો છે. પડખું નબળું ન હોત તો, તો મારે ને માતાજીને આટલું છેટું રહેત કદાપિ!' એવા વિચારે વલોવાતો ચારણ, ગઢ જૂનાનો રાજકવિ, દેવીનો , વરદાનધારી, ઘોડાવેલ હંકાવી ગયો.

અરધોએક પંથ કાપ્યો પછી કેડાને કાંઠે એક ઘરડીખખ, થાકીપાકી ડોશી બેઠેલી જોવામાં આવી. ડોશીના પડખામાં એક ગાંસડી પડી હતી. ડોશીના દાંત પડી ગયેલા હતા, અંગ ઉપર પૂરાં લૂગડાં નહોતાં.