પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અગિયારમું

૭૪


'ખસ એઈ ડોશી, ખસી જા.' હાંકનારે હાકલ કરી. ડોશી મહામહેનતે ખસીને બેઠી.

'બાપ,' ડોશીએ કાકલૂદી સંભળાવી; 'મને-વધુ નહિ-એક સામા ગામના પાદર સુધી-પોગાડી દેશો? મેંથી હલાતું નથી, સંસારમાં મારૂં કોઇ નથી. આંહી અંતરિયાળ મારૂં કમોત થશે તો મને કૂતરાં શીયાળવાં ચૂંથશે. વધુ નહિ-સામે ગામ.'

'હાંકો હાંકો, આપણે રા'ને કસૂંબો પીવાડવાનું અસૂર થાય છે. મારગમાં તો દુઃખીઆરાં ઘણાં ય મળે. સૌને ક્યાં લેવા બેસશું!'

એમ કહીને આપા ભૂંથાએ ઘોડવેલ હંકારી મૂકી.

ને ગઢ જૂનાનાં રા'એ તે દિવસના કસૂંબા ટાણે પણ એ જ ટોંણો માર્યો : 'અરે ભગત ! ભગત જેવા ભગત થઇને હજી માતાજીને નજરે ન ભાળ્યાં. આ-હા-હા-હા ! થડાં થડાં કહેવાય ભગત ! મલક હાંસી કરે છે. કળજૂગમાં દેવસ્થાનાં રહ્યાં છે, દેવતા તો ઊઠી ગયા છે, ને કાં પછી ભગતીમાં કાંક કે'વાપણું રહી જાય છે.'

'કે'વાપણું કાઢી નાખશું બાપા ! આપ, ખમા, નજરે જોશો.'

'અમારે સોમનાથને માથે ગઝનીનું કટક આવેલું. તયેં દેવપાટણના બ્રાહ્મણો પણ આમ જ કહેતા'તા હો ભગત ! કહેતા'તા કે ભલે વયો આવતો ગઝની. આવવા દો ગઝનીને. કોઇએ ઓડા બાંધવાની જરૂર નથી. સોમનાથ સરીખો દેવ છે, એનો કાળભેરવ જ ગઝનીના કટકનો કોળીઓ કરી જશે. આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યા, પછી તો ગઝની જ આવીને દેવનો કોળીઓ કરી ગયો. આ ત્યારથી સોમનાથની રક્ષા કરવાની કોઇને હોંશ જ નથી રહી. દેવસ્થાનાં માત્રનું આ ડીંડવાણું સમજવું હો ભગત!'