પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૭

આઈ નાગબાઈ


'આ દેવસ્થાનું ને આ સેવક નોખા સમજવા મારા રા'! પણ હું શું કરૂં !' એણે દાઝભેર વેણ ઉચ્ચાર્યાં : 'મારૂં અરધું અંગ નબળું છે. હું તો એક પાંખાળું પંખી છું.'

'ઓહો ! એવું ડીંડવણું છે કે દેવ? તયેં એમ કહોને. તયેં વરદાન અધૂરૂં રહ્યું છે. ઓ-હો ! ઘર જબ્બર, પણ આ તો થાંભલી નબળી.'

'નબળી થાંભલીની તો શી માંડવી મારા રા'! ફક્ત એક રોટલા ટીપી જાણે છે. બસ, મેમાનો આવે - પાંચ આવે કે પચાસ આવે -તેનું ખીચડું રાંધી જાણે છે. તાવડીનું ને એનું, બેય એકરૂપ છે મારા બાપ!'

'અરે-અરે-અરે રામ ! એ તો અમને ખબર જ નહિ. હવે તો મજબૂત થાંભલી, ઘરને શોભે એવી થાંભલી અમારે જાતે જ તમને ગોતી દેવી પડશે. ખરચથી ડરશો મા દેવ ! ઠેકાણું હોય તો અમને જાણ કરજો. ભેળા જાનમાં સોંડશું.'

'ખમા ધણીને.'

'ના. પણ હવે વાર ન કરવી. અમારૂં વેણ છે.'

ફુલાઈને ઢોલ થએલો જુવાન ભક્ત ભૂંથો રેઢ સાંજે જ્યારે પાછો ફર્યો ત્યારે, ઝડ વઝડ દિવસ રહ્યા ટાણે, રસ્તામાં એક વટેમાર્ગુ ચાલ્યું જતું હતું. ઢૂકડા ગયા ત્યારે ઓળખાયું - બાઇ માણસ : જુવાનજોધ : અને રૂપ રૂપનો અવતાર. લેબાસ ચારણનો.

'માળું !' ભગતે વિચાર્યું. 'અસૂરી વેળાનું નાનડીયું બાઇ માણસ થાકેલા પગનાં ડગલાં ભરી રહ્યું છે. બીજું તો કાંઇ નહિ, પણ આને કોક મળશે તો કનડગત કરશે.