પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અગિયારમું

૮૦


'તો મારે તો અસુર થઇ ને રાત રીયા જેવું.'

'આપણું ઘર ગમશે?'

'તમારા ઘરમાં મારાથી પગ કેમ મૂકાય?'

'કાં?' ભૂંથો ભગત લટૂ થયો.

'એક મ્યાનમાં બે તરવારૂં.'

'એ તો વાસીદાની ને રાંધણાની કરનારી રહેશે. તમે મારી ભક્તિમાં ભાગીદાર થશો.'

'એમ ન પોસાય. ભક્તિમાં આઠે પહોર ભંગ પડે.'

'તો એને છેડો ફાડી દઇશ.'

'તો ભલે. નિરાંતવાં ભક્તિ કરશું.'

રાત પડી ગઇ હતી. પૃથ્વીનાં કેટલાંક પાપ ઉપર અંધાર-પડદો પડી ગયો હતો, તેમ કેટલાંક પાપને પ્રગટ થવા માટે આ અંધાર-પછેડો સગવડ કરી આપતો હતો.

પાટખિલોરીનું પાદર આવ્યું. બાઇએ કહ્યું 'ઊભી રાખો ઘોડવેલ.'

'કાં?'

'હું આંહી બેઠી છું.'

'આંહી શા સારૂં?'

'તમારા ઘરમાં મારી જગ્યા થાય તે પછી જ આવીશ.'

'ખરે પણ.... વહ્યાં નહિ જાવ ને?'