પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧

આઈ નાગબાઈ


'વહી શા માટે જાઉં? પણ હું ચારણ્યને બહાર નીકળેલી ભાળીશ તો જ આવીશ.'

'અબઘડી.'

ઉતાવળે ઘોડવેલ ઘેર હંકાવીને ઊતરતાં વાર જ ભૂંથો ભગત સીધો સડેડાટ ઘરમાં ગયો. રાંધણીઆમાં પહોંચ્યો. ચારણ્ય રસોઇ કરતી હતી એના ઉપર ધસી ગયો. ચારણી ઝબકીને પૂરૂં જોવે ન જોવે ત્યાં તો એણે પોતાની પછેડીનો છેડો ચીરી, ચારણીના ખોળામાં ફગાવ્યો.

'કાં? કાં?'

'બસ ઊઠ.'

'શું છે ચારણ?'

'ઘરની બહાર નીકળી જા.'

'પણ મારો કાંઇ વાંક તો ખોળે નાખ, ભૂંડા?'

'ભૂંડા ને ભલા, વાત પૂરી થઇ. વાંક લેણાદેવીનો, ચારણ્ય, ઘર ખાલી કર.'

'આમ ન હોય ચારણ, આવો અકેકાર ન હોય, હું તુંને ન ગમતી હોઉં તો તું તારે બીજું ઘર કર - અરે હું પોતે જઇને તારા માટે બીજો વીવા ગોતી લાવું.'

'ના, બસ ઊઠ.'

'હું તને ભારી નહિ પડું ચારણ ! હું એક કોર કોઢ્યમાં પડી રહીશ. હું તારા ગોલાપા કરીશ. મારૂં પેટ પાલીનું હોય તો અધવાલી આપજે.'