પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આટલે સુધી ખાદીમાં કઈ કઈ બાબતો સમાયેલી છે તેની સમજૂતી આપીને હવે તેનું કાર્ય આગળ વધારવાને મહાસભાવાદીઓ શું શું કરી શકે ને તેમણે શું શું કરવું તે મારે બતાવવું જોઈએ. ખાદીની બનાવટમાં આટલી બાબતો આવે છે: કપાસ ઉગાડવો, કપાસ વણવો, તેને ઝૂડવો, સાફ કરવો ને લોઢવો, રૂ પીંજવું, પૂણીઓ બનાવવી, કાંતવું, સૂતરની પવાયત કરવી કે તેને કાંજી પાવી, સૂતરને રંગવું, તેનો તાણો પૂરવો ને વાણો તૈયાર કરવો, વણાટ અને ધોલાઈ. આ માંથી રંગાટી કામ સિવાયનાં બાકીનાં બધાં કામો ખાદીને અંગે જરુરી તેમ જ મહત્વનાં છે, ને કર્યા વિના ચાલે તેવાં નથી. એમાંનું એકેએક કામ ગામડાંઓમાં સારી રીતે થઈ શકે તેવું છે, અને હકીકતમાં અખિલ ભારત ચરખા સંઘ હિંદભરનાં જે અનેક ગામડાંઓમાં કાર્ય કરે છે તે બધાં માં એ કામો આજે ચાલુ છે . સંઘનાં છેલ્લા અહેવાલ મુજબ આ કામોને લાગતા નીચે મુજબનાં રસિક આંકડાઓ છે.

૧૯૪૦ની સાલમાં ૧૩,૪૫૧થીયે વધારે ગામડાંઓમાં વેરાયેલાં, ૨,૭૫,૧૪૬ ગામડાંનાં વતનીઓને કાંતણ ,પીંજણ, વણાટ વગેરે મળીને કુલ ૩૪,૮૫,૬૦૯ રૂપિયા મજૂરી પેટે મળ્યા હતા. આ સંખ્યામાં ૧૯,૬૪૫ હરિજન અને ૫૭,૩૭૮ મુસલમાનો હતા, અને કાંતનારાંમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી.

પણ મહાસભાવાદીઓ સાચા દિલથી ને ઊલટથી ખાદીનો કાર્યક્રમ અમલમાં મૂકે તો જેટલું કામ નીપજે તેનો આ બહુ તો સોમો ભાગ થાય. ગામડાંઓમાં ચાલતા અનેક ઉદ્યોગો પૈકીના આ મુખ્ય ઉદ્યોગનો અને તેની આજુબાજુ વીંટળાયેલા હાથ કારીગરીના અનેક ધંધાઓનો વગર વિચારે ને ફાવે તેમ તેમ જ નિર્દય પણે નાશ કરવામાં આવ્યો ત્યારથી આપણાં ગામડાઓમાંથી બુદ્ધિ ને નૂર ઊડી ગયાં, તે બધાં ઝાંખા ને ચેતન વગરનાં થઈ ગયાં, અને તેમની દશા તેમનાં પોતાનાં ભૂખે મરતાં ને દૂબળાં ઢોર જેવી થઈ ગઈ.

ખાદીના કામને અંગે મહાસભા તરફથી જે હાકલ કરવામાં આવી તેને મહાસભાવાદીઓ વફાદાર રહેવા માગતા હોય તો ખાદી કાર્યની યોજનામાં તેમણે કેવી રીતે ને કેટલો ભાગ લેવાનો છે તે વિશે જે જે