પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લોઢાનો ટૂંકો સળિયો દરેક જણને પોતાનો કપાસ પીલી લેવાને પૂરતું સાધન છે. જ્યાં આ કામ ન બની શકે ત્યાં કાંતનારે હાથે લોઢેલું રૂ ખરીદી લેવું ને તેને પીંજી લેવું. પોતાના વપરાશ પૂરતું પીંજણ નાનકડી ધનુષ પીંજણ પર ઝાઝી મહેનત વગર સરસ થાય છે. અનુભવ એવો છે કે મજૂરીની મહેનતની વહેંચણી જેટલી વધારે એટલે કે કામ જેટલા વધારે હાથે થાય તેટલા પ્રમાણમાં તેને માટે જરૂરી ઓજારો ને હથિયારો સોંઘા ને સાદાં. પીંજેલા રૂની પૂણીઓ બનાવી લીધી કે કાંતણ શરૂ થાય . કાંતવાને માટે હું ધનુષ તકલીની ખાસ ભલામણ કરું છું. મેં તે ધણીવાર વાપરી છે. તેના પર મારી કાંતવાની ઝડપ લગભગ રેંટિયાના જેટલી જ છે. વધારામાં રેંટિયા પર મારું સૂતર જેવું નીકળે છે તેના કરતાં ધનુષ તકલી પર વધારે ઝીણું, વધારે વળદાર ને વધારે સરખું ઊતરે છે. બધા કાંતનારાઓનું એમ ન પણ બને. હું રેંટિયાને બદલે ધનુષ તકલી વાપરવાનો આગ્રહ કરું છું તે આટલાં કારણસર કે કે ધનુષ તકલી બનાવી લેવાનું વધારે સહેલું છે, રેંટિયા કરતાં સોંઘી પડે છે ને રેંટિયાની માફક તેમાં વારેવારે સમારકામ કરવું નથી પડતું. કાંતનારને જાડી ને પાતળી બન્ને માળ બનાવી લેતાં અને તે ઊતરી જાય કે સરકી જાય ત્યારે બરાબર બેસાડી લેતાં ન આવડતું હોય, અથવા રેંટિયો બરાબર કામ ન આપે ત્યારે તેને સુધારી લેતાં ન આવડતું હોય તો તે ઘણી વાર બેકાર પડી રહે છે. વળી આજે એમ લાગે છે કે લાખો લોકોએ એકીસાથે કાંતવા માંડવું પડશે ને તે વાત સાચી પડી તો ધનુષ તકલી સહેલાઈ થી બની શકે તેવી ને વાપરવામાં સરળ હોવાથી તે જ એક ઓજાર એવું છે જે એવે વખતે ઝટ કામ આવે. ખુદ તકલી કરતાં પણ આ ધનુષ તકલી બનાવવાનું સહેલું છે, અને તે મેળવવાનો સૌથી સહેલો, સૌથી સારો ને સૌથી સોંઘો રસ્તો જાતે બનાવી લેવાનો છે. વળી એક વાત યાદ રાખવા જેવી છે કે આપણે દરેકે સાદાં ઓજરો બનાવવાનું ને વાપરવાનું શીખી લેવું જોઈએ. હવે કાંતણ સુધીના જુદાં જુદાં કામોમાં આપણો આખો મુલક એકી સાથે મંડી જાય તો આપણા લોકોમાં કેટલી એકતા થાય ને તેમની કેટલી કેળવણી થાય તેનો ખ્યાલ કરો! વળી ગરીબ ને તવંગર સૌ એકજ જાતનું કામ કરે તો તેમાંથી નીપજતા પ્રીતિના બંધથી બંધાઈ પોતપોતાના ભેદો ભૂલી ને કેટલાં સરખાં થાય તેનો ખ્યાલ કરો!