પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨. રાષ્ટ્ર ભાષાઓ

વળી, હિંદુસ્તાનભરમાં વહેવાર કરવાને માટે હિંદી ભાષાઓમાંથી એક એવી ભાષાની આપણને જરૂર છે જે આજે વધારેમાં વધારે સંખ્યાના લોકો જાણતા હોય ને સમજતા હોય અને બાકીના લોકો ઝટ શીખી શકે . આવી ભાષા બેશક હિંદી છે. ઉત્તરના હિંદુઓ ને મુસલમાનો બન્ને એ ભાષા બોલે છે ને સમજે છે. એજ બોલી ઉર્દૂ લિપિમાં લખાય છે ત્યારે તે નામે ઓળખાય છે.૧૯૨૫ની સાલમાં કાનપુર મુકામે ભરાયેલી બેઠકમાં મંજૂર કરેલા પોતાના નામાંકિત ઠરાવમાં હિંદભરની એ જ બોલીને રાષ્ટ્રીય મહાસભાએ હિંદુસ્તાનીને નામે ઓળખાવી. અને ત્યારથી કંઈ નહીં તો સિદ્ધાંતમાં હિંદુસ્તાની રાષ્ટ્રભાષા ગણાઈ છે. સિદ્ધાંતમાં એમ મેં જાણી જોઈમે કહ્યું છે કેમકે ખુદ રાષ્ટ્રીય મહાસભાવાદીઓએ પણ તેનો રાખવો જોઈએ તેટલો મહાવરો રાખ્યો નથી. હિંદુસ્તાનની આમ જનતાની રાષ્ટ્રીય કેળવણીને ખાતર હિંદની બોલીઓનું મહત્ત્વ ઓળખવાની ને સ્વીકારવાની એક મુદ્દામ કોશિશ ૧૯૨૦ની સાલમાં શરૂ કરવામાં આવી હતી. તેથી રાજકીય દ્રષ્ટીથી જાગ્રત થયેલું હિંદ સહેલથી બોલી શકે , અને હિંદના જુદા જુદા પ્રાન્તોમાંથી મહાસભાના અખિલ હિંદ મેળાવડાઓમાં એકઠા થતા મહાસભાવાદીઓ સમજી શકે તેવી સમસ્ત હિંદુસ્તાનની એક બોલીને ઓળખવાનો ને સ્વીકારવાનોઇ ખાસ પ્રયાસ પણ શરૂ થયો હતો. આ રાષ્ટ્રભાષા આપણે બધા તેની બન્ને શૈલીઓ સમજી તથા બોલી શકીએ અને તેને બંને લિપિમાં લખી શકીએ તે રીતે શીખવી જોઈએ.

મારે ખેદથી જણાવવું પડે છે કે ઘણા મહાસભાવાદીઓએ એ ઠરાવનો અમલ કર્યો નથી. અને તેથી મારી સમજ પ્રમાણે નામોશી ભરેલો કહી શકાય તેવો અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખનારા ને પોતાના સમજાય તેટલા ખાતર બીજા લોકોને પણ તે જ ભાષામાં બોલવાની ફરજ પાડનારા મહાસભાવાદીઓનો બેહૂદો દેખાવ હજી આપણને જોવો પડે છે. અંગ્રેજી બોલીએ જે ભૂરકી નાખી છે તેની અસરમાંથી હજી આપણે છૂટ્યાં નથી. તે ભૂરકીને વશ થયેલા આપણે હિંદુસ્તાનની પોતાના ધ્યેય તરફની કૂચને રોકી રહ્યાં છીએ. અંગ્રેજી