પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોટા દેશમાં એવું કદાચ બને નહીં. એ બધી વાત જવા દો. અહિંસાને રસ્તે કોઈના પર કોઈ જાતની જબરદસ્તી ન હોય એટલી વાત સાચી. અહિંસાની પદ્ધતિનું પ્રત્યક્ષ કાર્ય અને કેવળ તર્કથી સાબિત થાય તેવી દલીલો બંને મળીને પોતાનું કામ કર્યા વિના રહેવાનાં નથી.

મારો એવો અભિપ્રાય છે કે મજૂરોની માફક કિસાનો અથવા ખેડૂતોના ગણાય તેવા સવાલો વિશે કામ કરનારું એક ખાતું મહાસભાએ પોતાની દેખરેખ નીચે ચલાવવું જોઈએ.

૧૫. મજૂરો

અમદાવાદ મજૂર મહાજનનો નમૂનો આખા હિંદુસ્તાને અનુસરવા જેવો છે. શુધ્ધ અહિંસાના પાયા પર તેની યોજના થઈ છે. પોતાની આજ સુધીની કારકિર્દીમાં પાછા પડવાનો એકે પ્રસંગ તેને આવ્યો નથી. કશીયે હોહા કે ધાંધલ અથવા કશો દેખાવ કર્યા વિના તેની તાકાત ઉત્તરોત્તર વધતી ગઈ છે. તેની પોતાની ઇસ્પિતાલ, મિલમજૂરોનાં છોકરાંઓ માટેની નિશાળો, મોટી ઉંમરના મજૂરોને ભણાવવાના વર્ગો, તેનું પોતાનું છાપખાનું ને ખાદીભંડાર તે ચલાવે છે, ને મજૂરોને રહેવાને માટેનાં ઘરો તેણે બંધાવ્યાં છે. અમદાવાદના લગભગ બધા મજૂરો મતપત્રકોમાં નોંધાયેલા છે અને ચૂંટ્ણીઓમાં અસરકારક ભાગ લે છે. મહાસભાની સ્થાનિક પ્રાંતિક સમિતિના કહેવાથી અમદાવાદના મજૂરોએ મતદારો તરીકે પોતાનાં નામો નોંધાવ્યાં હતાં. મહાજન કદી મહાસભાના પક્ષાપક્ષીના રાજકારણમાં સડોવાયેલું નથી. શહેરની સુધરાઈની નીતિ પર તે લોકોની અસર પડે છે. મહાજનને ફાળે સારી પેઠે સફળ નીવડેલી હડતાળો છે ને તે બધી પૂરેપૂરી અહિંસક હતી. અહીંના મજૂરે ને મિલમાલિકોએ પોતાનો સંબંધ મોટે ભાગે રાજીખુશીથી લવાદીને ધોરણે રાખ્યો છે. મારું ચાલે તો હું હિંદુસ્તાનભરની તમામ મજૂર સંસ્થાઓનું સંચાલન અમદાવાદના મહાજનને ધોરણે કરું. અખિલ હિંદ ટ્રેડ યુનિયન કૉંગ્રેસમાં માથું મારવાની મહાજને કદી ઇચ્છા રાખી નથી. ને તે કૉંગ્રેસની અસર તેણે પોતાના સંગઠન પર થવા દીધી નથી. અમદાવાદ મજૂર મહાજનની રીત ટ્રેડ યુનિયન કૉંગ્રેસ અખત્યાર કરી શકે અને અખિલ હિંદ ની મજૂર સંસ્થાના એક અંગ તરીકે