પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવી લાગણી થાય તો પોતપોતાની સંસ્થાના વડાની સંમતિથી નિશાળો ને કૉલેજો બંધ રાખવામાં આવે. સંસ્થાના વડાઓ વિદ્યાર્થીઓની વાત કાને ન ધરે તો તેમને ઘટતી રીતે, સભ્યતાથી પોતપોતાની સંસ્થાઓમાંથી બહાર નીકળી જવાની અને વ્યવસ્થાપકો પસ્તાઈને પાછા ન બોલાવે ત્યાં સુધી પાછા ન જવાની છૂટ છે. કોઈ પણ સંજોગોમાં અથવા કોઈ પણ હિસાબે જુદો મત ધરાવનારા વિદ્યાર્થીઓ કે શાળાકૉલેજઓના અધિકારીઓ પર તેમણે જબરદસ્તી ન કરવી. તેમને એટલો ભરોસો હોવો જોઈએ કે, આપણે જો આપણા મોભાને ઘટતું વર્તન રાખીશું ને સંપીને એક રહીશું તો આપણી જીત જ છે.

૩. તેમણે બધાએ સેવાને અર્થે શાસ્ત્રીય રીતે કાંતવું જોઈએ. કાંતવાનાં પોતાનાં સાધનો ને બીજાં ઓજારો તેઓ હંમેશ સ્વચ્છ, સુઘડ ને સારી સ્થિતિમાં તેમ જ વ્યવસ્થિત રાખે. બની શકે તો પોતાનાં હથિયારો, ઓજારો અથવા સાધનો જાતે જ બનાવવાનું શીખી લે. અલબત્ત તેમનું કાંતેલું સૂતર સૌથી ચડિયાતું હશે. કાંતણને લગતા બધા સાહિત્યનો અને તેમાં સમાયેલાં આર્થિક, સામાજિક, નૈતિક, અને રાજકીય એ બધાં રહસ્યોનો તે સૌ અભ્યાસ કરે.

૪. તેઓ પહેરવાઓઢવામાં બધે કેવળ ખાદી વાપરે, અને ગામડાંમાં બનેલી ચીજોને બદલે તેવી પરદેશી કે સંચાની બનેલી કદી ન વાપરે.

૫. બીજા લોકો પર વંદે માતરમ્‌ ગાવાની કે રાષ્ટ્રધ્વજ રાખવાની જબરદસ્તી તેઓ ન કરે. રાષ્ટ્રધ્વજવાળાં ફૂલ તે લોકો પોતાના અંગ પર પહેરે પણ બીજા લોકોને તેમ કરવાની ફરજ ન પાડે.

૬. ત્રિરંગી ધ્વજનો સંદેશો પોતાના જીવનમાં ઉતારી દિલમાં કોમવાદ કે અસ્પૃશ્યતાને પેસવા ન દે. બીજા ધર્મોના વિદ્યાર્થીઓ અને હરિજનો પોતાનાં ભાંડુઓ હોય તેમ તેમની સાથે તેઓ સાચી દોસ્તી બાંધે.

૭. ઈજા પામેલા પોતાના પડોશીઓની મદદે વિદ્યાર્થીઓ તરત દોડી જાય, આજુબાજુનાં ગામોમાં સફાઈનું તેમ જ ભંગીકામ કરે અને તે ગામોમાં મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષો તેમ જ બાળકોને ભણાવે.

૮. હિંદુસ્તાનીનું આજે જે બેવડું સ્વરૂપ મુકરર થયું છે તે મુજબ તેની બંને શૈલીઓ ને તેની બંને લિપિઓ સાથે તેઓ રાષ્ટ્રભાષા