પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદુસ્તાની શીખી લે જેથી હિંદી કે ઉર્દૂ બોલાય અથવા નાગરી કે ઉર્દૂ લિપિ લખાય ત્યારે તેમને અજાણ્યું ન લાગે.

૯. વિદ્યાર્થીઓ જે જે નવું શીખે તે બધું પોતાની માતૃભાષામાં ઉતારે અને દર અઠવાડિયે આસપાસનાં ગામડાંમાં પોતાનો વારો ફરવા નીકળે ત્યારે ત્યાં બધે લેતા જાય ને પહોંચાડે.

૧૦. તેઓ કશું છૂપી રીતે ન કરે, જે કરે તે છડેચોક કરે. પોતાના એકેએક વહેવારમાં તેમનું વર્તન અણિશુદ્ધ હોય. પોતાનું જીવન સંયમી ને નિર્મળ રાખે. કોઈ વાતથી ન ડરતાં નિર્ભય રહી પોતાના દૂબળા વિદ્યાર્થીબંધુઓના બચાવમાં તત્પર રહે, અને રમખાણો થાય ત્યારે પોતાના જાનને ભોગે અહિંસક વર્તનથી તેમને શમાવવાને તૈયાર રહે. અને સ્વરાજ્યની આખરી લડત જાગે ત્યારે પોતાની સંસ્થાઓ છોડી તેમાં ઝંપલાવે ને જરૂર પડે તો દેશની આઝાદીને અર્થે પોતાના જાન કુરબાન કરે.

૧૧. પોતાની વિદ્યાર્થી બહેનો સાથે તદ્દન સ્વચ્છ ને સભ્યતાનું વર્તન રાખે.

અહીં સુધી વિદ્યાર્થીઓને માટે જે કાર્યક્રમ મેં બતાવ્યો છે તેના અમલને માટે તેમણે વખત કાઢવો જોઈશે. તેઓ આળસમાં ઘણો વખત બગાડે છે તે હું જાણું છું. કડક કરકસર કરીને તેઓ ઘણા કલાકો મેં બતાવેલા કામને માટે ફાજલ પાડી શકે. પરંતુ કોઈ પણ વિદ્યાર્થી પર અણઘટતો ભાર નાખવાનો મારો ઇરાદો નથી. તેથી દેશ માટે પ્રીતિ રાખનારા વિદ્યાર્થીઓને મારી એવી સલાહ છે કે પોતાના અભ્યાસના સમયમાંથી એક વર્ષ તેમણે આને માટે ફાજલ પાડવું; અને હું એમ નથી સૂચવતો કે એકી વખતે અને આખું વરસ તેઓ આપે; મારી સલાહ એ છે કે અભ્યાસના આખા ગાળા પર તેઓ એ વરસ વહેંચી નાખે ને કટકે કટકે પૂરું કરે. તેમને જાણીને અચરજ થશે કે આ રીતે કાઢેલું તેમનું વર્ષ ફોકટ નથી જતું. એ વખત દરમ્યાન કરેલી મહેનતથી દેશની આઝાદીની લડતમાં સંગીન ફાળો ભરવા ઉપરાંત તેમણે પોતાની માનસિક, નૈતિક તેમ જ શારીરિક શક્તિઓમાં કેટલોયે ઉમેરો કર્યો હશે.