પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રજાકીય પુરુષાર્થની અપેક્ષા રાખવામાં આવે છે તેમાં ચાળીસે કરોડ મળીને સહકાર કરે એ વાત જ બને તેવી નથી. ટીકાકારો રચનાત્મક કાર્યક્રમની આ જાતની ઠેકડી ઉડાવે છે તેમાં બેશક ઘણું તથ્ય છે. પણ એ ઠેકડીનો મારો જવાબ એ છે કે એ બધી વાત સાચી હોય તો પણ આટલો પુરુષાર્થ કરી જોવા જેવો છે. અંતરથી ને ઊલટથી કામ કરનારા કાર્યકર્તાઓનો એક સમૂહ જો દૃઢ સંકલ્પ કરીને એ કાર્યક્રમના અમલમાં લાગી જાય તો જણાશે કે એ બીજા કોઈ પણ કાર્યક્રમના જેવો જ, અને ઘણાખરાના કરતાં તો વધારે વહેવારુ છે. એ ગમે તે હો; સ્વરાજની લડતનો કાર્યક્રમ આપણે અહિંસાના પાયા પર ઘડવો હોય તો રાષ્ટ્રની આગળ આની અવેજીમાં મૂકવાને બીજો કાર્યક્રમ મારી પાસે નથી.

વ્યક્તિગત કે સમુદાયિક સવિનયભંગ અથવા સત્યાગ્રહ રચનાત્મક કાર્યને મદદરૂપ થાય છે અને સશસ્ત્ર બળાવાની અવેજીમાં બરાબર તેના જેટલું કામ આપે તેવો ઇલાજ છે. જેમ સશસ્ત્ર બળવાને માટે તાલીમની જરૂર છે તેવી જ સત્યાગ્રહને માટે પણ તાલીમની જરૂર છે. અલબત્ત, બન્ને તાલીમના રસ્તા જુદા છે. બન્નેમાં જ્યારે પ્રસંગ આવે ત્યારે જ કાર્ય થાય છે. લશ્કરી પદ્ધતિથી બળવો કરવાનો અર્થ એવો થાય કે આપણે બધાએ હથિયારો વાપરતાં શીખવું; અને હવે તો કદાચ ઍટમ બૉમ્બનો ઉપયોગ કરતાં પણ શીખવું. સત્યાગ્રહ કરવાનો અર્થ એવો થાય કે આપણે બધાએ રચનાત્મક કાર્યક્રમનાં જુદાં જુદાં અંગોનો અમલ કરવો.

તેથી એ વાત સાબિત થાય છે કે, કાર્યકર્તાઓ સત્યાગ્રહ કરવાને માટે કદી પ્રસંગો ખોળ્યા ન કરે. ખુદ રચનાકાર્યને અટકાવવાનો કે તેને વિફળ કરવાનો પ્રયાસ થાય, તેવે પ્રસંગે સત્યાગ્રહ કરવાને માત્ર તેમણે તૈયાર રહેવું જોઈશે. સત્યાગ્રહ કયે પ્રસંગે કરવો જોઈએ ને કયે પ્રસંગે ન કરવો જોઈએ એ બાબતો એકબે દાખલા પરથી સમજાશે. આપણે જાણીએ છીએ કે રાજકારણના ક્ષેત્રમાં અમુક પ્રકારના કરારો થતા અટકાવવામાં આવ્યા છે, અને થતા અટકાવી શકાય એમ બને; પરંતુ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે મૈત્રી બંધાય તેને ન અટકાવી શકાય;