પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રોષ થાય તો ?
રાઈ : ગમે તેવા વિચાર તમને થયા હશે, પણ તમને ક્ષમા કરીશ. મારું અભય વચન છે.
શીતલસિંહ : દહેરામાંનો દેખાવ જોઇ મને એવો વિચાર થયો કે ઓ ! પ્રભુ ! પેલો માળી રાજા થયો તેના કરતાં આ બાપડાએ મસ્તકપૂજા કરી તે રાજા કેમ ન થયો ? એ વિચારથી મારું હૈયું ભરાયું ને હું થોડી વાર ત્યાં ઠરી ગયો. વિચાર બહુ મૂર્ખાઈભરેલો હતો, માટે હું ક્ષમા માગું છું.
રાઈ : ક્ષમા તો મેં પ્રથમથી આપેલી જ છે, અને શીતલસિંહ ! તમારો વિચાર મૂર્ખાઈભરેલો નહોતો. માત્ર માળીનો ધંધો કરનારમાં રાજા થવાની લાયકાત આવેલી ન હોય એ પણ ખરું છે, અને હું માળી જ હોત તો હું રાજા થવાનું કબૂલ કરત પણ નહિ. પણ હું માળી નથી. હું સ્વર્ગવાસી રાજા રત્નદીપનો પુત્ર જગદીપદેવ છું, અને જાલકા તે મારી માતા અમૃતદેવી છે.
શીતલસિંહ : હેં ! હેં ! કેવું આશ્ચર્ય ! આપ એ ખરું કહો છો?
રાઈ : જુવો, આ મારી કમ્મરે મારા પિતાની ગોળ તરવાર વીંટાળેલી છે, અને તેની મૂઠ પર તેમની રત્નમુદ્રા છે.
[કમર પરનાં વસ્ત્ર ખસેડીને તરવાર બતાવે છે.]
 
શીતલસિંહ : આજ સુધી આપને માળી ગણ્યા તે મારો અપરાધ ક્ષમા કરો, મહારાજ !
[પગે પડે છે]
 
રાઈ : મેં પોતાને માળી ગણાવ્યો છે. તમારો અપરાધ નથી. ઊઠો.
[ઉઠાડે છે]
 
શીતલસિંહ : મહારાજ ! કૃપાવન્ત છો, માટે પૂછું છું. આ પ્રકારે રાજ્ય મેળવવાનું કેમ પસંદ કર્યું ?
અંક ચોથો
૯૩