પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાઈ : મને રાજ્ય અપાવવા જાલકા માલણને વેશે અહીં આવી, અને તે મને રાજ્ય અપાવવાની યોજનાઓ કરતી હતી. એવામાં પર્વતરાયનો અકસ્માત વધ થયો, તેથી જાલકાએ આ પથ ગ્રહણ કર્યો.
શીતલસિંહ : આપ તો પ્રથમથી નાખુશ હતા તે હું જાણું છું. જાલકાએ અને મેં આગ્રહ કરી આપને આમ રાજા બનાવ્યા.
રાઈ : શીતલસિંહ ! એક માત્ર પ્રભુ સિવાય બીજું કોઈ સંપત્તિ આપવા સમર્થ નથી. તમે એમ માનતા હો કે મેં રાજ્ય અપાવ્યું, કે જાલકા એમ માણતી હોય કે મેં રાજ્ય અપાવ્યું કે હું એમ માણતો હોઉં કે મેં રાજ્ય મેળવ્યું, તો તે સર્વ ભ્રાન્તિ છે.

પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ના કાંઈ;
રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહીં. ૫૭

કારણોના કારણોને પ્રવર્તાવનાર મૂળ કારણ અને કર્તા તે પરમાત્મા છે. આપણું કર્તવ્ય માત્ર તેનાં સાધનરૂપે પ્રવૃત્તિ કરવાનું છે. તેને જે સિદ્ધિ ઇષ્ટ છે તેનો માર્ગ આપણે ત્યાગ કરીએ ત્યાં આપણી જવાબદારી ઉત્પન્ન થાય છે, પણ સિદ્ધિ તો તેની જ છે. પ્રભુની ઈચ્છા વિના મને રાજ્ય મળવાનું નથી.

શીતલસિંહ : મહારાજ ! આપને રાજ્ય મળી ચૂક્યું છે. હવે પાછલી વાત ઉઘાડવાની જરૂર નથી.
રાઈ : એમ હું નથી માનતો. અને વળી, તમને છૂટ આપું છું કે તમારી ખુશી હોય તો અત્યારે જઈને પ્રકટ કરો કે આ પર્વતરાય નથી, પણ જગદીપદેવ છે.
શીતલસિંહ : મહારાજ ! મને એવો હલકો ધાર્યો ? વળી, હવે એ વાત કોઈ માને પણ નહિ, અને મને એથી લાભ પણ નહિ. પર્વતરાયના વધની હકીકત મનાય તો પણ તે ગુપ્ત
૯૪
રાઈનો પર્વત