પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કમલા : સવારીની આગળ આગળ ચાલતી સવારીની ખબર આવી પહોંચી છે. જુઓ -

નેત્રનાં પોપચાં ખીલ્યાં, મુખના હોઠ ઉઘડ્યા,
ગરદન વાં।કી થઈ, માર્ગે ઊભા લોકની;
કોલાહલ શમી ગયો. શાન્તિ બધે વ્યાપી ગઈ,
સવારીના પૂર પર આશ્ચર્યને કુતૂહલ,
કેવા વાયુ ફૂંકી રહ્યા, આવી લ્હેરો તેમની;
પૂર ચાલે પૃથ્વી પર, લ્હેરો ચાલે મુખો પર,
તેથી લ્હેર પરંપરા આવી પુરોગામિની. ૫૨

કાન દો હવે તો વાજાં પણ સંભળાય છે.

સાવિત્રી : અને, જો પણે ડંકો નિશાન આવતાં દેખાય છે.
વંજુલ : હવે સવારી આવી એ વાત ખરી. બાકી પકવાન્નની સોરમથી પકવાન્ન આવ્યાની પ્રતીતિ આપની પેઠે મને થઈ શકે તેમ નથી. હું તો પકવાન્ન જોઉં તો જોયાનો સંતોષ થાય, ને ખાઉં તો ખાધાનો સંતોષ થાય.
સાવિત્રી : જો, હવે સવારી આપણા બારણા આગળ આવી. તારા પકવાન્નનાં ગંધ રૂપ અને રસ એ ત્રણે પ્રત્યક્ષ થયાં. હવે, સૂંઘજેય ખરો, જોજેય ખરો, અને , ખવાય તો ખાજેય ખરો.
[સવારી પ્રવેશ કરે છે અને ધીમે ધીમે પસાર થાય છે.]
 
વંજુલ : મારાથી પકવાન્ન ન ખવાય એ અશક્ય છે. વંજુલમિશ્રની ખાવાની શક્તિ ઘાયલ થાય એવું હથિયાર મહારાજના સમસ્ત સૈન્યમાં કોઈ પાસે નથી. પણ, અહોહોહો ! પેલું કાળાં ઝાડનાં જંગલ જેવું શું આવે છે.
સાવિત્રી: એ તો ઉઘાડી તરવારોવાળા ઘોડે સવારોનું લશકર આવે છે.
અંક પાંચમો
૯૯