પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



વંજુલ : મારે એ નથી જોવું. હું તો જાઉં છું ઘરમાં. અંદર બેઠો બેઠો મંત્રોચ્ચાર કરીશ, એટલે તમારા બધાંનું અમંગલ દૂર થશે. એ કાળું કાળું જાય અને ધોળું ધોળું આવે ત્યારે મને બોલાવજો.
સાવિત્રી : તું અહીં જ બેસી રહે અને આંખો મીંચી રાખ. અમે કહીએ ત્યારે ઉઘાડજે.
[વંજુલ આંખો મીંચીને બેસી રહે છે.]
 
સાવિત્રી: (કેટલીક સવારી ગયા પછી) વંજુલ ! આંખો ઉઘાડ. મહારાજનો હાથી આવે છે.
વંજુલ : (આંખો ઉઘાડીને અને માર્ગ તરફ નજર કરીને.) અહો ! એક ભવ્ય યશ:પાલ હાથી, અને એ જ રત્નોથી ચળકતા શિખરવાળી સોનાની અંબાડી ! ગઈ દશેરાની સવારીમાં જોયેલાં તે આજે સવા છ મહિને પાછાં જોયાં. એ તો એનાં એ રહ્યાં, પણ, મહરાજ નવા થઈ ગયા !
સાવિત્રી : ધીમે બોલ, હાથી પાસે આવે છે.
[પર્વતરાયનો હાથી ઉપર બેઠેલા રાઈ સાથે પસાર થાય છે.]
 
સાવિત્રી : અહો ! કેવું આશ્ર્ચર્ય !
કમલા : કેવું નવાઈ જેવું !
વંજુલ : મહારાજે આ તરફ જોઈ નમસ્કાર કર્યા તેથી આપને આશ્ચર્ય લાગ્યું ? એ તો મને નમસ્કાર કર્યા, આપને નથી કર્યા.
કમલા : તારા સિવાય મહારાજ બીજા કોને નમસ્કાર કરે . અમને નમસ્કારથી આશ્ચર્ય નથી લાગ્યું. પણ મહારાજની મુખમુદ્રા જોઈ આશ્ચર્ય લાગ્યું.
વંજુલ : મુખમુદ્રામાં શું આશ્ચર્ય જેવું છે?
સાવિત્રી : મહરાજની મુખમુદ્રા બદલાઈને કોના જેવી થઈ છે?
વંજુલ : પર્વતરાય મહારાજની મુખમુદ્રા હતી તે ની તે જ છે.
સાવિત્રી : શા પરથી તને એવું લાગ્યું?
૧૦૦
રાઈનો પર્વત