પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વંજુલ : એ જ મંદીલ, એ જ શિરપેચ, એ જ ઝભ્ભો, એ જ હાર, એ જ કમરબંધ, એ જ તોડો; બધું એનું એ જ છે.
સાવિત્રી : વસ્ત્રાલંકાર જેવી બારીકાઈથી જોયા એવી બારીકીથી મુખની રેખાઓ ન જોઈ?
વંજુલ : ચામડી જેવી ચામડી, એમાં બારીકીથી જોવાનું શું ? માણસ કાણું કૂબડું હોય તો નિશાની યાદ રહે. પણ તે વગર તો આપ ચિત્ર ચીતરવા બેસો છો ત્યારે ગોળ મોં ને લંબગોળ મોં, અણિયાળું નાક ને સીધું નાક, લાંબી આંખ ને છલકાતી આંખ, પહોળાં પોપચાં ને ઊઘડેલા પોપચાં , કાળી ભમર ને કમાનદાર ભમર, ચોરસ કપાળ ને ઊપસેલું કપાળ, પાતળા હોઠ ને બીડેલા હોઠ; એવી એવી માથાકૂટ કરો છો, તેવું શું માણસનું મોં જોતી વેળા કરવું?
સાવિત્રી : એવી માથાકૂટ કર્યાં વગર પણ તને એમ ન લાગ્યું કે તે દિવસે એક ઘોડેસવાર પડી જવાથી તેને આપણા ઘરમાં આણી તેની સારવાર કરેલી, તેને બરાબર મળતું મહારાજનું મોં થયું છે ? એનું નામ રાઈ હતું.
વંજુલ : એ માળીને મળતું મહારાજનું મોં થાય ? શી વાત કરો છો ?
સાવિત્રી : શું થવું જોઈએ એ જુદી વાત છે અને શું થયું છે એ જુદી વાત છે. ખરેખરી રીતે, તને કંઈ મળતાપણું લાગ્યું ?
વંજુલ : એ માળીને ફરી પાટાબાંધીને ખાટલા પર સુવાડો ત્યાં સુધી હું તો એને ઓળખું નહિ.
કમલા : મને તો મહારાજનો ચહેરો આબાદ અમારા એક મિત્રના જેવો થયેલો લાગ્યો. તેમનું નામ ખબર નથી, પણ તે કેટલાક સમયથી અમારે ત્યાં આવે છે. એમના મુખ પર જે વિનીતતા, ઉદારતા અને પ્રતાપ વસે છે, તેવો
અંક પાંચમો
૧૦૧